ભાંડુપમાં ક્રાઇમ બ્રાન્ચ અને BMCનો દરોડો

22 September, 2026 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખોટા સર્ટિફિકેટના આધારે ઍલોપૅથિક સારવાર આપતા ૩ બોગસ ડૉક્ટર ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

ભાંડુપ-વેસ્ટ વિસ્તારમાં ગેરકાયદે રીતે મેડિકલ વ્યવસાય ચલાવતા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ 7ની ટીમે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) S વૉર્ડના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. શનિવારે સાંજે પાડવામાં આવેલા દરોડા દરમ્યાન સંતોષ હેલ્થ ક્લિનિક અને વિનાયક હેલ્થ ક્લિનિક નામનાં બે દવાખાનાં પર દરોડા પાડીને મેડિકલ ડિગ્રી કે યોગ્ય રજિસ્ટ્રેશન વગર દરદીઓના જીવ સાથે ચેડાં કરતા ૩ બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના અને BMCના મેડિકલ અધિકારીઓની ટીમે LBS માર્ગ પર આવેલા સંતોષ હેલ્થ ક્લિનિકમાં તપાસ કરતાં ૩૪ વર્ષના મોહમ્મદ શેખ અને હુસેન શેખ નામના બે જણ મળી આવ્યા હતા. પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે બન્ને આરોપીઓ બીજા ડૉક્ટરના નામનું બોગસ સર્ટિફિકેટ વાપરીને દવાખાનું ચલાવતા હતા, જ્યારે વાસ્તવમાં તેઓ માત્ર બારમી અને પાંચમી પાસ છે. ત્યાર બાદ વિનાયક હેલ્થ ક્લિનિક પર દરોડો પાડીને ૪૦ વર્ષના ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તે પણ અન્ય ડૉક્ટરનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વાપરીને ગુપ્ત રોગોની સારવાર કરવાનો દાવો કરતો હતો.
કાર્યવાહી દરમ્યાન બન્ને ક્લિનિકમાંથી ઍલોપૅથિક તથા આયુર્વેદિક એક્સપાયર્ડ અને ગેરકાયદે દવાઓનો જથ્થો, પૅમ્ફ્લેટ્સ, મોબાઇલ અને વાંધાજનક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યાં હતાં. BMCનાં મેડિકલ ઑફિસર ડૉ. સાયલી રાઠોડની ફરિયાદના આધારે ભાંડુપ પોલીસ-સ્ટેશન ખાતે ત્રણેય બોગસ ડૉક્ટરો વિરુદ્ધ મહારાષ્ટ્ર મેડિકલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટ 1961ની કલમ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

mumbai news mumbai bhandup Crime News mumbai crime news