મુંબઈ: કોરોના સામે 40 દિવસ ઝઝૂમ્યા બાદ મનુભાઈ મહેતાનું અચાનક મૃત્યુ

30 September, 2020 07:48 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: કોરોના સામે 40 દિવસ ઝઝૂમ્યા બાદ મનુભાઈ મહેતાનું અચાનક મૃત્યુ

અણધારી વિદાય લેનારા મનુભાઈ મહેતા.

ભાઈંદરમાં પહેલો મૉલ ઉભો કરવાની સાથે અહીંના વિકાસમાં સિંહફાળો આપનારા ૬૫ વર્ષના ગુજરાતી વૈષ્ણવ એવા મનુભાઈ મહેતાનું સોમવારે રાત્રે કોરોનાથી અવસાન થવાથી મીરા-ભાઈંદરના રહેવાસીઓ સ્તબ્ધ થઈ ગયા છે. બિઝનેસથી માંડીને સમાજ, ધર્મ, શિક્ષા, સાહિત્ય, સાંસ્કૃતિક અને જીવદયામાં રુચિ ધરાવતા હોવાથી મનુભાઈ દરરોજ અસંખ્ય લોકોના સંપર્કમાં રહેતા એટલે ભારે લોકપ્રિય હતા. કોરોનાનું સંક્રમણ થયા બાદથી ૪૦ દિવસ સુધી તેઓ મોત સામે ઝઝૂમ્યા હતા. આખરે તેમણે સોમવારે રાત્રે ૯.૫૦ વાગ્યે અંધેરીની એક મલ્ટિસ્પેશ્યલિટી પ્રાઇવેટ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મૅક્સસ મૉલ, મૅક્સસ સિનેમા અને સાલાસાર સહિતની અનેક કન્સ્ટ્રક્શન કંપનીના માલિક મનુભાઈ મહેતા કોરોનામાં ખપી ગયા હોવાના સમાચાર સોમવારે રાત્રે વહેતા થયા બાદ સોશ્યલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો ચાલું થયો હતો, જે ગઈ કાલે પણ કાયમ રહ્યો હતો. અસંખ્ય લોકો મનુભાઈએ પોતાને કેવી રીતે મદદ કરી અથવા પોતાના કામમાં આવ્યા હતા એના અનુભવ શૅર કરી રહ્યા છે.

મળેલી માહિતી મુજબ ભાઈંદરમાં મૅક્સસ મૉલ સહિત આસપાસમાં ઑફિસ ધરાવવાની સાથે બોરીવલીમાં પવાર પબ્લિક સ્કૂલ પાસેના મલ્હાર બિલ્ડિંગમાં રહેતા ૬૫ વર્ષના મનુભાઈ મહેતાને કોરોનાનું સંક્રમણ થવાથી તેમને પહેલાં મીરા રોડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં અને બાદમાં અંધેરીની મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. અહીં ૩૭ દિવસ સુધી ડૉક્ટરોએ તેમને બચાવવાના અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ મનુભાઈ બચી નહોતા શક્યા.

મનુભાઈના પુત્ર રસેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા ૧૫ દિવસમાં કોરોનામાંથી બહાર આવી ગયા હતા, પરંતુ પહેલાં તેમનાં ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હતું અને બાદમાં બ્લડમાં પણ ઇન્ફેક્શન થવાને લીધે તેમને ડૉક્ટરોએ ઍન્ટિબાયોટિક્સ આપી હતી. જોકે શરીરમાં ઇમ્યુનિટી ખૂબ જ ઓછી થઈ જવાથી તેઓ રિકવર નહોતા થઈ રહ્યા. ત્રણ વખત થોડી રિકવરી દેખાઈ હતી. વાઇરસનું ઇન્ફેક્શન ખૂબ જ વધારે પ્રમાણમાં થયું હોવાનું હોવાથી ડૉક્ટરે અમેરિકાથી મેડિસિન મગાવીને અંતિમ ઉપાય અજમાવ્યો હતો, પરંતુ એ પણ કામ નહોતી આવી. સોમવારે રાત્રે દસેક વાગ્યે પપ્પાએ અંતિમ શ્વાસ લીધો હતો.’

મીટિંગમાં સંક્રમણની શક્યતા

મૂળ ભાવનગર જિલ્લાના મહુવા પાસેના સેંદરડા ગામના વતની મનુભાઈ મહેતાના અનેક બિલ્ડરો સાથે બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. દોઢેક મહિના પહેલાં તેમના પાર્ટનર આનંદ અગરવાલની ભાઈંદરમાં મૅક્સસ મૉલની નજીક આવેલી ઑફિસમાં એક બેઠક મળી હતી જેમાં મનુભાઈ, આનંદ અગરવાલ, મૉન્ટુ અગરવાલ, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ચંદ્રકાંત વૈતી અને એક નગરસેવક સામેલ હતા. આ બેઠક બાદ તમામને કોરોનાનું સંક્રમણ થયાનું જણાયું હતું. મનુભાઈને બાદ કરતાં તમામ લોકો કોરોનામાંથી હેમખેમ બહાર આવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news coronavirus covid19 bhayander brihanmumbai municipal corporation