મુંબઈ: ઍન્ટિજન ટેસ્ટ અભિયાનમાં બે પ્રાઇવેટ લૅબોરેટરી પણ હવે જોડાઈ

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: ઍન્ટિજન ટેસ્ટ અભિયાનમાં બે પ્રાઇવેટ લૅબોરેટરી પણ હવે જોડાઈ

કોરોના ટેસ્ટ

મુંબઈ મહાનગરપાલિકાએ ઉપનગરોની વિવિધ હૉસ્પિટલોમાં કોરોના-ઇન્ફેક્શનના દરદીઓની ઍન્ટિજન ટેસ્ટ કર્યા પછી હવે ટેસ્ટિંગની ક્ષમતા વધારવા માટે બે પ્રાઇવેટ લૅબોરેટરીને ટેસ્ટિંગની કાર્યવાહીમાં સામેલ કરી છે. મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ ઍન્ટિજન ટેસ્ટિંગના અભિયાનમાં પ્રાઇવેટ લૅબોરેટરીને સાંકળી લેવા માટે ગઈ કાલે ટેન્ડર્સ બહાર પાડ્યાં હતાં. ટેન્ડરિંગ પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી કેટલાક વિસ્તારોમાં ઍન્ટિજન ટેસ્ટિંગ કરવાનું કામ કરવા બે લૅબોરેટરીને જણાવવામાં આવ્યું હતું.

એ નિર્ણયના અનુસંધાનમાં આજથી થાયરો કૅર અને સબર્બન ડાયગ્નોસ્ટિક્સ લૅબોરેટરીઝ જોગેશ્વરી અને મલાડમાં ઍન્ટિજન ટેસ્ટિંગ શરૂ કરશે. મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓએ જોગેશ્વરી અને મલાડનાં પાંચ સ્થળોની યાદી તૈયાર કરી છે. એ યાદીના આધારે એ બે લૅબોરેટરીના પૅથોલૉજિસ્ટ્સ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાની ટીમની સાથે આજથી ટેસ્ટિંગ શરૂ કરશે. રોજ ૨૦૦થી ૩૦૦ ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક ટેસ્ટિંગ-ટીમે રાખ્યો છે.

મહાનગરપાલિકાના પી-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંજોગ કાબરેએ જણાવ્યું હતું કે ‘અમે વૉર્ડમાં કેટલાક વખતથી ઍન્ટિજન ટેસ્ટ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં ૩૮૧ ટેસ્ટ કરી છે. એમાંથી ૨૯ ટેસ્ટના રિપોર્ટ્સ પૉઝિટિવ મળ્યા છે. પાંચ દરદીઓમાં કોરોના-ઇન્ફેક્શનનાં લક્ષણ હોવા છતાં ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેમનાં RT-PCR (રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પૉલિમર્સ ચેઇન રીઍક્શન) ટેસ્ટ કરાવવામાં આવશે. મલાડ-ઈસ્ટનાં SRA (સ્લમ રિહૅબિલિટેશન ઑથોરિટી) બિલ્ડિંગ્સ, અપ્પાપાડા અને પુષ્પા પાર્કમાં કોરોના-પૉઝિટિવ કેસ મળ્યા છે. ૧૭ જુલાઈએ સાંજે ચાર વાગ્યા સુધીમાં ટેન્ડર્સ ભરવાનાં રહેશે. લૅબોરેટરી ઓછામાં ઓછી કિંમતે ટેસ્ટ કરવા સંમત થાય એ શરત હોવાથી અનેક લૅબોરેટરીનાં ટેન્ડર્સ મંજૂર કરવાની જોગવાઈ છે.’

arita sarkar kandivli malad jogeshwari coronavirus covid19 lockdown