22 February, 2024 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ ઇન્દ્રાણી મુખરજી સ્ટોરી : ધ બેરીડ ટ્રુથ’
મુંબઈ : પોતાની પુત્રી શીના બોરાના મર્ડરકેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલી ઇન્દ્રાણી મુખરજી પરની ડૉક્યુમેન્ટરી સિરીઝની રિલીઝ પર રોક લગાવવાની માગ કરતી અરજી લઈને સીબીઆઇ બુધવારે બૉમ્બે હાઈ કોર્ટ પહોંચી હતી. ‘ધ ઇન્દ્રાણી મુખરજી સ્ટોરી : ધ બેરીડ ટ્રુથ’ નામની ડૉક્યુ-સિરીઝ ૨૩ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. શોની રિલીઝ પર રોક લગાવવાની સીબીઆઇની અરજી મંગળવારે સ્પેશ્યલ કોર્ટે ફગાવી દીધી હતી, જેથી એજન્સી બૉમ્બે હાઈ કોર્ટમાં પહોંચી હતી. સીબીઆઇનું કહેવું છે કે જ્યાં સુધી ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી આ સિરીઝ રિલીઝ ન કરવી જોઈએ, કારણ કે આ કેસમાં જે સાક્ષીઓની હજી જુબાની આપવાની બાકી છે તેઓ સિરીઝ જોઈને પ્રભાવિત થઈ શકે છે. સીબીઆઇ ઇન્દ્રાણી મુખરજીને આપવામાં આવેલા જામીન રદ કરવા માટે અરજી દાખલ કરવાનું પણ વિચારી રહી છે, કારણ કે તે સાક્ષીઓને પ્રભાવિત ન કરવા માટે તેના પર લાદવામાં આવેલી શરતોનો ભંગ કરી રહી છે. નેટફ્લિક્સ તરફથી હાજર વરિષ્ઠ વકીલ રવિ કદમે દલીલ કરી હતી કે આ કેસની તમામ વિગતો પહેલેથી જ સાર્વજનિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે અને ઇન્દ્રાણીએ પોતે એક પુસ્તક લખ્યું છે.