16 September, 2023 09:03 AM IST | Mumbai | Urvi Shah Mestry
હવે પાલતુ પ્રાણીઓને માનભેર વિદાય આપી શકાશે
મુંબઈ ઃ મુંબઈમાં પાલતુ પ્રાણીઓને પાળવાની સંખ્યા વધી રહી છે ત્યારે પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવા માટે પૂરતી સુવિધાના અભાવે લોકોને કેટલીયે વખત હેરાનગતિ થતી હોય છે. પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવા માટે લોકોને દૂર જવું પડે નહીં એ માટે મલાડ-વેસ્ટમાં એવરશાઇન નગરના મલાડ કૅટલ પોન્ડ કાર્યાલયમાં બીએમસી દ્વારા પાલતુ પ્રાણીઓ માટેની બાયોગૅસ સંચાલિત ઇલેક્ટ્રિક સ્મશાનભૂમિનું ઉદ્ઘાટન ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, પી નૉર્થના વૉર્ડ-ઑફિસર કિરણ દિઘાવકર તેમ જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજાગ કબરેના હસ્તે કરવામાં આવ્યું હતું.
મલાડના રહેવાસી અને ઍનિમલ લવર દીપક જોષીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડમાં બાયોગૅસ સંચાલિત સ્મશાનભૂમિ પહેલી છે. પાલતુ પ્રાણીઓ વર્ષો સુધી આપણી સાથે રહેતાં હોવાથી એ પણ ઘરના એક સદસ્ય બની જતાં હોય છે. જેમ મૃત્યુ થયા પછી ઘરનાં સદસ્યને માનભેર વિદાય આપવામાં આવે છે એમ હવે પ્રાણીઓને પણ માનભેર વિદાય આપી શકાશે. પાલતુ પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવા માટે પરેલ સુધી દૂર જવું પડતું અને ત્યાં પૈસા પણ ચૂકવવા પડે છે. મલાડમાં બાયોગૅસ સંચાલિત ઇલેક્ટ્રૉનિક સ્મશાનભૂમિ બની જતાં હવે લોકોને સારી સુવિધા મળી રહેશે. આ માટે અમે પ્રશાસનના આભારી છીએ કે તેમના થકી હવે અમને પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવા માટે સારી સુવિધા મળી રહેશે.’
પશુચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગના આ પ્રોજેક્ટના એક ઇન્ચાર્જ ડૉ. કાલિમપાશા પઠાણે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્વાન, બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવા માટે મલાડમાં બાયોગૅસ સંચાલિત સ્મશાનભૂમિનું ઉદ્ઘાટન શુક્રવારે કરાયું છે જેમાં પીએનજી ફાયર છે, જે પૂરા ઇન્ડિયામાં પહેલું છે. પૉલ્યુશન પણ ફેલાશે નહીં અને કુદરતી ગૅસ આધારિત કમ્બશન ટેક્નૉલૉજીની આ પદ્ધતિ વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ પણ છે. અમારી લોકોને અપીલ છે કે પાલતુ પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરવા આવતા લોકો લાઇસન્સ પણ સાથે રાખે. બાયોગૅસ સંચાલિત ઇલેક્ટ્રૉનિક સ્મશાનભૂમિ સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી કાર્યરત રહેશે.’
પી નૉર્થના વૉર્ડ-ઑફિસર કિરણ દિઘાવકરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીની આ પહેલી પાલતુ પ્રાણીઓ માટે બાયોગૅસ સંચાલિત સ્મશાનભૂમિ છે, જે ફ્રી ઑફ કોસ્ટ છે. પાલતુ પ્રાણીઓના અતિમ સંસ્કાર કર્યા પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ સુવિધા મૃત નાનાં પ્રાણીઓ જેવાં કે પાલતુ અને રખડતા શ્વાન, બિલાડી વગેરેના અગ્નિસંસ્કાર માટે ઉપલબ્ધ હશે. સમગ્ર મુંબઈના લોકો આનો લાભ લઈશ શકશે. નાગરિકોએ ઓળખના પુરાવા તરીકે આધાર કે પૅન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ/રૅશન કાર્ડમાંથી એક અને પાસપોર્ટ-ડ્રાઇવિંગ લાઇસન્સ, લાઇટ કે પાણી બિલમાંથી એક ઘરના સરનામા તરીકે સબમિટ કરવું આવશ્યક છે. જો તમે પ્રાણીપ્રેમી છો, તો તમારે વાઇલ્ડલાઇફ બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા ઇશ્યુ કરાયેલું કોઈ પણ ઓળખપત્ર રજૂ કરવું પડશે.’