વાંસળી વગાડી અન્ય પેશન્ટ્સનો ઉત્સાહ વધારતા આ કોરોનાગ્રસ્ત ઇન્સ્પેક્ટર

12 August, 2020 12:20 PM IST  |  Mumbai | Mehul Jethva

વાંસળી વગાડી અન્ય પેશન્ટ્સનો ઉત્સાહ વધારતા આ કોરોનાગ્રસ્ત ઇન્સ્પેક્ટર

વાંસળી વગાડતા સોનિયાભાઉ દેશમુખ અને પોલીસના ગણવેશમાં (જમણે).

કોરોના ક્યાંથી આવશે અને ક્યારે આવશે એની કોઈને ખબર નથી, પણ કોરોના થઈ ગયા બાદ એનાથી ડરવું નહીં અને એનો સામનો કરવો, એવો એક સુંદર વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સોનિયાભાઉ દેશમુખ મુલુંડ ફોર્ટિસ હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. હૉસ્પિટલમાં તેઓ વાંસળી પર દેશભક્તિનાં ગીતો વગાડી ત્યાંના અન્ય પેશન્ટ્સનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર સોનિયાભાઉ દેશમુખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં લોકોને મેં બહુ જ ડરતા જોયા છે. જોકે આ કોરોનાથી ડરવું ન જોઈએ અને એનાથી લડવું જોઈએ.’

મુલુંડ પોલીસ સ્ટેશનમાં હાલ સુધીમાં ૧૦થી વધુ પોલીસ કોરોના પૉઝિટિવ આવ્યા છે, જેમાં અનેક મોટા અધિકારીઓ પણ સામેલ છે. મુલુંડ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોસ્ટ પર કાર્યરત સોનિયાભાઉ દેશમુખને ૧૬ દિવસ પહેલાં કોરોના પૉઝિટિવ આવ્યું હતું. કલ્યાણમાં પોતાના ઘરની બાજુમાં આવેલી નિયોન હૉસ્પિટલમાં ૧૦ દિવસ સારવાર લીધા બાદ પણ હાલત ન સુધરતાં તેમને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની ૬ દિવસ બાદ હાલતમાં સુધાર લાગતાં સંગીતપ્રેમી ઇન્સ્પેક્ટર પોતાની વાંસળી પર દેશભક્તિનાં ગીત હૉસ્પિટલમાં વગાડતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

સોનિયાભાઉ દેશમુખ ૧૭ વર્ષની ઉંમરથી દેશની સેવામાં કાર્યરત છે. તે ૧૭ વર્ષની ઉંમરથી ઇન્ડિયન આર્મીમાં ભરતી થઈ ગયા હતા. ઇન્ડિયન આર્મીમાં ૧૭ વર્ષ સેવા કર્યા બાદ મુંબઈ પોલીસ દળમાં સેવામાં કાર્યરત થયા છે.

mumbai mumbai news mulund fortis hospital mehul jethva