કોરોના વાઈરસનો આતંક: મીરા-ભાઇંદર અને થાણેમાં ટોટલ લૉકડાઉન

01 July, 2020 07:23 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોના વાઈરસનો આતંક: મીરા-ભાઇંદર અને થાણેમાં ટોટલ લૉકડાઉન

થાણે પશ્ચિમમાં દુકાનો બંધ

કોરોના વાઇરસના રોગચાળાને કારણે થાણે મહાનગરપાલિકા અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં ક્ષેત્રોમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. થાણે શહેરમાં બીજીથી બારમી જુલાઈ સુધી અને મીરા-ભાઈંદર શહેરમાં બીજીથી દસમી જુલાઈ સુધી જડબેસલાક લૉકડાઉન પાળવાની જાહેરાત કરવામાં આવી છે. એ બન્ને શહેરોમાં કોરોના-ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે અને બન્નેના મ્યુનિસિપલ કમિશનર્સની બદલી કરવામાં આવી છે.

અગાઉના અઠવાડિયામાં છૂટછાટ અપાયા બાદ મુશ્કેલીઓની શરૂઆત થઈ રહી છે. બન્ને શહેરોમાં દારૂની હોમ ડિલિવરી, ૫૦ જણની હાજરીની મર્યાદા બાંધીને લગ્નવિધિ અને બાંધકામ-પ્રવૃત્તિની છૂટ આપવામાં આવી હતી. થાણેમાં પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર બિપિન શર્માએ બીજી જુલાઈથી બારમી જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. થાણેમાં ૩૦ મેએ કુલ કોરોના-પૉઝિટિવ કેસની સંખ્યા ૩૫૭૨ અને એ રોગને કારણે ૭૭૭ લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં. ૨૯ જૂને કુલ કેસની સંખ્યા ૯૬૪૪ અને મૃતકોનો આંકડો ૩૧૫ નોંધાયો હતો. લૉકડાઉન ખોલવાના પહેલા મહિનામાં કેસની સંખ્યામાં ત્રણગણો અને મરણાંકમાં ચારગણો વધારો નોંધાયો છે. હવે ૧૨ જુલાઈ સુધી થાણે શહેરમાં કરિયાણા અને દવાની ઑનલાઇન ખરીદી કરી શકાશે. આવશ્યક સેવાઓ ખુલ્લી રાખી શકાશે. એ ઉપરાંત તબીબી સાધનો, દવા, ફૂડ પ્રોસેસિંગ અને દૂધની ઊપજોના ઉત્પાદન એકમો ખુલ્લા રાખી શકાશે. બે શહેરોની વચ્ચે વાહનવ્યવહાર પર પ્રતિબંધ છે, પરંતુ બહારથી આવતાં અને અન્ય શહેરોમાં જતાં વાહનો માટે છૂટ અપાઈ છે.

લૉકડાઉનના એક મહિનામાં મીરા-ભાઈંદરમાં કોરોના-પૉઝિટિવ કેસની સંખ્યા અને મરણાંકમાં પાંચગણી વૃદ્ધિ નોંધાઈ છે. ૧૯ એપ્રિલથી ૧૭ મે સુધી મીરા-ભાઈંદરમાં સંપૂર્ણ લૉકડાઉન હતું. એ વખતે કેસની સંખ્યા મર્યાદિત હતી, પરંતુ લૉકડાઉન હળવો કરાયા બાદ કોરોના-કેસની સંખ્યા ઝડપથી વધવા માંડી હતી. કોરોના-કેસની સંખ્યામાં સતત વૃદ્ધિને કારણે મીરા-ભાઈંદરના મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિજય રાઠોડે ૯ દિવસ લૉકડાઉનની જાહેરાત કરી હતી. એ દિવસોમાં મિલ્ક-બૂથ સવારે પાંચથી ૧૧ વાગ્યા સુધી અને દવાની દુકાનો સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. લોટની ચક્કીઓ ખુલ્લી રાખી શકાશે. કરિયાણા, શાકભાજી અને માછલી બજારો બીજીથી દસમી જૂન સુધી બંધ રખાશે. કરિયાણા, શાક અને દારૂની હોમ ડિલિવરી મેળવી શકાશે. ૧૮ મેથી લૉકડાઉનમાં રાહત જાહેર કરાઈ ત્યાં સુધી કુલ કેસની સંખ્યા ૩૩૦ પર પહોંચી હતી, પરંતુ લૉકડાઉન હળવો કરાયા પછી બે અઠવાડિયાંમાં કોરોના-પૉઝિટિવ કેસની સંખ્યા ૭૩૮ પર પહોંચી અને ૨૯ જૂને એ સંખ્યા ૩૧૬૫ પર પહોંચી હતી. એ સમયગાળામાં કુલ મરણાંક પણ ૨૯થી વધીને ૧૪૨ ઉપર પહોંચ્યો હતો.

mira road bhayander thane lockdown coronavirus covid19 mumbai news