13 October, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રકાશ પગારેને શનિવારે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષે ખભા પર બેસાડ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કૉન્ગ્રેસના કાર્યકર પ્રકાશ પગારેએ નરેન્દ્ર મોદીનો સાડી પહેરેલો એક મૉર્ફ્ડ ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. તેમની આ પોસ્ટથી ગુસ્સે ભરાયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ પ્રકાશ પગારેને જાહેરમાં સાડી પહેરાવી, તેમનો વિડિયો રેકૉર્ડ કરીને વાઇરલ કર્યો હતો. આ ગતકડા બાદ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ દ્વારા શનિવારે કલ્યાણમાં પ્રકાશ પગારેનું સન્માન કરવામાં આવ્યું હતું.
૭૩ વર્ષના પ્રકાશ પગારેનું અપમાન થયા બાદ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસે તેમનું જાહેરમાં સન્માન કરીને ગ્રાસરૂટ લેવલ પર કામ કરતા કાર્યકરોને મહારાષ્ટ્ર કૉન્ગ્રેસનો ટેકો છે એવો સંદેશ પાઠવ્યો હતો. હર્ષવર્ધન સપકાળે પ્રકાશ પગારેને ખભા પર ઊંચકી લીધા હતા. આ સન્માનનો હેતુ પાયાના કાર્યકરોને હિંમત અને પ્રોત્સાહન આપવાનો અને પ્રકાશ પગારેના જાહેરમાં થયેલા અપમાનને વખોડવાનો હતો.