સુનેત્રા પવારને કેમ કહેવાયાં ગુંગી ગુડિયા

05 August, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NCPનાં નાયબ મુખ્ય પ્રધાન માટે કૉન્ગ્રેસે વાપરેલા આ શબ્દપ્રયોગને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાચકડી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અને બીજા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ પણ કરી આકરી ટીકા

સુનેત્રા પવાર

રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારની બીડમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમ્યાન એક પત્રકારને બીડની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે પ્રશ્ન પૂછવા ન દઈને મંચ પર ઉપસ્થિત વિધાનસભ્ય ધનંજય મુંડેએ તેને ચૂપ કરી દીધો હતો. ત્યાર પછી સુનેત્રા પવાર એ સવાલનો જવાબ આપ્યા વગર જતાં રહ્યાં હતાં. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસે આ ઘટનાનો વિડિયો શૅર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે સુનેત્રા પવાર હજી કેટલા દિવસ સુધી ગુંગી ગુડિયા રહેશે?

સુનેત્રાતાઈએ પણ ઇન્દિરા ગાંધીની જેમ પોતાનાં કર્મોથી દુર્ગા બનીને દેખાડવું જોઈએ : હર્ષવર્ધન સપકાળ

કૉન્ગ્રેસની કોલાબાની ઑફિસ પર NCPનો મોરચો

ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના કાર્યકરો કૉન્ગ્રેસની કોલાબાની ઑફિસમાં ઘૂસી ગયા હતા અને માફીની માગણી કરી હતી.

 આ શબ્દપ્રયોગને પગલે હોબાળો થતાં આ મામલે કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે સુનેત્રા પવાર ચૂપ બેસી રહ્યાં હોવાથી તેમને ગુંગી ગુડિયા કહીને સંબોધ્યાં છે. તેમણે કહ્યું હતું કે એક રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાનપદ પર બેસેલી વ્યક્તિને આમ અદબ વાળીને, મોં પર આંગળી રાખીને બેસવું શોભા નથી દેતું, તેમનું વર્તન ‘ગુંગી ગુડિયા’ જેવું છે. 
હર્ષવર્ધન સપકાળે પત્રકાર પરિષદ લઈને આ બાબતે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘સુનેત્રા પવારને ગુંગી ગુડિયા કહેવાયાં એમાં કશું ખોટું નથી થયું. મૂળ મુદ્દો તેમના (સુનેત્રા પવારના) વર્તનનો છે. જો તેમના જેવી વ્યક્તિ પત્રકારના પ્રશ્ન જ સાંભળતી નથી તો એ તેમના પદ માટે અશોભનીય છે. એ વખતે ચૂપ બેસી રહ્યાં એથી એમની એ ભૂમિકાને લઈને ગુંગી ગુડિયા શબ્દપ્રયોગ કર્યો છે. ગુંગી ગુડિયા એ શું ગાળ છે કે? ગુંગી ગુડિયા એ શું અપશબ્દ છે કે? ગુંગી ગુડિયા એ શું અનપાર્લમેન્ટરી વિષય છે કે? નહીં, આ એક વર્ણન છે. એ જે શબ્દ છે એ ઉપમુખ્ય પ્રધાન પર એકદમ બંધબેસે છે. તે (સુનેત્રા પવાર) અનેક વિષય પર નથી બોલતાં. અજિતદાદા પવારનો અકસ્માત, એની કેમ તપાસ થતી નથી એના પર તે બોલતાં નથી. આ અકસ્માતમાં હજી સુધી કેમ ગુનો દાખલ નથી થયો એના પર એ કંઈ બોલતાં નથી. તેમને નાણાંમંત્રાલય નથી મળ્યું એના પર પણ તે કંઈ બોલતાં નથી. ભારતીય જનતા પાર્ટી તેમના અને તેમના પક્ષના લોકોના અધિકારોનું હનન કરે છે, એના પર પણ તે કંઈ બોલતાં નથી. આમ અેકંદરે તેમણે જે બોલવાનું બંધ કર્યું છે, તેઓ મૂંગા થઈ ગયાં છે. આ ચૂપ રહેવું એ સાર્વજનિક જીવનમાં ઉપમુખ્ય પ્રધાનના પદ પર બેસેલી વ્યક્તિ માટે અશોભનીય છે. જો અજિતદાદા જેવા અડીખમ અને આખાબોલા નેતાના પક્ષનું નેતૃત્વ કરનારી વ્યક્તિ કંઈ જ બોલતી નથી તો એવી વ્યક્તિનું કૉન્ગ્રેસ પક્ષે કરેલું વર્ણન એકદમ યોગ્ય જ છે. અમારી આ ટીકાને તેમણે સમજવી જોઈએ. એને લઈને હોબાળો મચાવવાની કે અમને ડહાપણ શીખવવાની જરૂર નથી. જ્યારે ટીકા થાય ત્યારે એેને સકારાત્મક લેવી જોઈએ. ઇન્દિરા ગાંધીને પણ એક સમયે ગુંગી ગુડિયા કહેવાયાં હતાં. તેમણે કામ કરીને એ ટીકાનો જવાબ આપ્યો અને અટલ બિહારી વાજપેયીએ પણ તેમને દુર્ગા કહીને સંબોધ્યાં હતાં અને એ આયર્ન લેડી કહેવાયાં હતાં. સુનેત્રાતાઈએ પણ પોતાનાં કર્મોથી દુર્ગા બનીને દેખાડવું જોઈએ.’    

સમય આવવા દો, પછી હું બોલીશ ઃ સુનેત્રા પવાર

જેમને લઈને રાજ્યના રાજકારણમાં આટલો ખળભળાટ મચી ગયો છે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુનેત્રા પવારે એક જ વાક્યમાં આ પ્રકરણ પર પડદો પાડી નાખ્યો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે ‘સમય આવવા દો, પછી હું બોલીશ’ 

સુનેત્રા પવાર વિશે કૉન્ગ્રેસે કરેલી અપમાનાસ્પદ ભાષા બિલકુલ નહીં ચલાવી લેવાય ઃ પ્રફુલ પટેલ
કૉન્ગ્રેસે સુનેત્રા પવારને ગુંગી ગુડિયા કહ્યા બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એનો વિરોધ કરતાં લખ્યું હતું કે ‘નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં રાષ્ટ્રીય અધ્યક્ષા તથા મહારાષ્ટ્રનાં પહેલાં મહિલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર માનનીય સુનેત્રા પવાર વિશે કૉન્ગ્રેસના ઑફિશ્યલ અકાઉન્ટ પર કરવામાં આવેલી અપમાનાસ્પદ ભાષાનો અમે તીવ્ર નિષેધ કરીએ છીએ. શિવ-શાહુ-ફુલે-આંબેડકર અને યશવંતરાવ ચવ્હાણ સાહેબના પુરોગામી મહારાષ્ટ્રમાં મહિલાઓનું અવમાન ક્યારેય સ્વીકારાશે નહીં. જે પક્ષનું નેતૃત્વ સોનિયા ગાંધીજી અને પ્રિયંકા ગાંધીજી જેવી મહિલાઓ કરતી હોય એ જ પક્ષ દ્વારા એક મહિલા નેતા વિશે આવી ભાષા વપરાય એ કમનસીબી છે અને નિષેધાર્થ છે. કૉન્ગ્રેસે એ પોસ્ટ તાત્કાલિક પાછી ખેંચી, જાહેરમાં દિલગીરી વ્યક્ત કરવી. મહારાષ્ટ્રના રાજકારણમાં મહિલાનું અપમાન કોઈ પણ પરિસ્થિતિમાં નહીં ચલાવી લેવાય.’  

કૉન્ગ્રેસે બૌદ્ધિક દેવાળું કાઢ્યું છે :  NCP
કૉન્ગ્રેસ દ્વારા નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને ગુંગી ગુડિયા તરીકે સંબોધ્યા બાદ તેમની એ ટીકાનો જવાબ આપતાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સૂરજ ચવ્હાણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ સારા લોકોના હાથમાં નથી. સુનેત્રા પવાર દર અઠવાડિયે મુંબઈ અને પુણેમાં પત્રકારો સાથે વાતચીત કરે છે. બીડમાંની પત્રકાર પરિષદ શરૂ થાય એ પહેલાં પણ તેમણે ઘણા બધા સવાલોના જવાબ આપ્યા જ હતા.’ 
NCPનાં મહિલા નેતાએ આ બાબતે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે બૌદ્ધિક દેવાળું કાઢ્યું છે. અજિત પવારના પગલે ચાલી સુનેત્રા પવાર સવારના ૭ વાગ્યે જ કામ ચાલુ કરી દે છે અને રાતના ૧૦ વાગ્યા સુધી કામ કરતાં હોય છે. લોકોના પ્રશ્નનો ઉકેલ લાવતાં હોય છે. તેમનાં આવાં કામે જ તેમનું નેતૃત્વ સિદ્ધ કરી દીધું છે. તેમનું અપમાન કરવા બદલ કૉન્ગ્રેસે તત્કાળ માફી માગવી જોઈએ, નહીં તો પછી તેમને તેમની જ ભાષામાં જવાબ આપવા NCP સક્ષમ છે.’ 

બદનામ હુએ તો હુએ, નામ તો હુઆ ઃ દેવેન્દ્ર ફડણવીસ 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ગઈ કાલે આયોજિત કરાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે તેમને કૉન્ગ્રેસ દ્વારા સુનેત્રા પવારને ગુંગી ગુડિયા કહેવા સંદર્ભે પ્રતિક્રિયા પુછાઈ ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મને એવું લાગે છે કે આ લોકો એકદમ નીચલા સ્તરે ઊતરી ગયા છે. મૂળમાં વાત એ છે કે તેમને કોઈ રિસ્પૉન્સ મળતો નથી, તેમને કોઈ પૂછતું નથી એથી સમાચારમાં ટકી રહેવા આવાં વિધાનો કરાઈ રહ્યાં છે. બદનામ હુએ તો હુએ, નામ તો હુઆ, એ પ્રમાણેની કાર્યવાહી ચાલી રહી છે. મને લાગે છે કે મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિમાં આટલા નીચલા સ્તરે ઊતરી જનારા આપણને પહેલી જ વાર જોવા મળી રહ્યા છે.’            

લાડકી બહેનોએ કૉન્ગ્રેસને પહેલાં જ જવાબ આપ્યો છેઃ એકનાથ શિંદે
કૉન્ગ્રેસ દ્વારા સુનેત્રા પવાર માટે વપરાયેલા ગુંગી ગુડિયાના આ શબ્દપ્રયોગ બદલ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે ‘કૉન્ગ્રેસે આ શબ્દો વાપરતાં પહેલાં મનની નહીં તો જનની (જનતાની) શરમ રાખવી જોઈતી હતી. સુનેત્રા ભાભી માટે આવું બોલી રહ્યા છે. તેમને (કૉન્ગ્રેસને) લાડકી બહેનોએ ૨૦૨૬માં જ (ચૂંટણીમાં હરાવીને) જવાબ આપી દીધો છે.’

mumbai news mumbai nationalist congress party congress sunetra pawar devendra fadnavis praful patel eknath shinde maharashtra political crisis political news