વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસવોટિંગ કરીને મદદ કરનારા કૉન્ગ્રેસના વિધાનસભ્ય BJPમાં જોડાયા

01 September, 2024 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાંદેડ જિલ્લાના દેગલૂરના કૉન્ગ્રેસી વિધાનસભ્ય જિતેશ અંતાપુરકર અશોક ચવાણના નજીકના નેતા છે

જિતેશ અંતાપુરકર

બે વર્ષ પહેલાં મહારાષ્ટ્ર વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં કૉન્ગ્રેસના મત તૂટતાં સત્તાધારી પક્ષોના ઉમેદવાર વિધાનસભ્યોની સંખ્યા ન હોવા છતાં ચૂંટાઈ આવ્યા હતા. ક્રૉસવોટિંગ કરનારાઓમાં નાંદેડ જિલ્લાના દેગલૂરના કૉન્ગ્રેસના વિધાનસભ્ય જિતેશ અંતાપુરકરનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. ગુરુવારે જિતેશ અંતાપુરકરે મહારાષ્ટ્રની વિધાનસભાના સ્પીકર ઍડ્વોકેટ રાહુલ નાર્વેકરને સોંપ્યું હતું અને શુક્રવારે તેમણે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યસભાના સંસદસભ્ય અશોક ચવાણની હાજરીમાં પ્રવેશ કર્યો હતો. અશોક ચવાણના નજીકના ગણાતા આ વિધાનસભ્યની પકડ તેમના મતદારક્ષેત્રમાં સારી છે એટલે તેઓ બે વખત ચૂંટાઈ આવ્યા હતા. જિતેશ અંતાપુરકર BJPમાં જોડાતાં કૉન્ગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો.

રાવસાહેબ દાનવેને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

મહારાષ્ટ્ર BJPના વરિષ્ઠ નેતાઓની શુક્રવારે મુંબઈમાં કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભૂતપૂર્વ સંસદસભ્ય અને BJPના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવેને ચૂંટણીમાં કો-ઑર્ડિનેટરની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

mumbai news mumbai bharatiya janata party congress maharashtra political crisis maharashtra political news