26 April, 2023 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા ટ્રાફિક જૅમની ફાઇલ તસવીર
ઉનાળાની રજાઓમાં મુંબઈ-પુણે કે પછી મુંબઈ-લોનાવલા જવાના હો તો વહેલા નીકળજો, કારણ કે નેરુળ પાસેના એલપી બ્રિજને કૉન્ક્રીટનો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એથી મુંબઈથી પુણે જતી લાઇન પર માત્ર સિંગલ લાઇન ચાલુ છે, જેને કારણે ટ્રાફિક-જૅમ થઈ રહ્યો છે. નવી મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા મોટરિસ્ટોનો ખાસ જાણ કરવામાં આવી છે કે બની શકે તો પામ બીચ રોડનો ઉપયોગ કરવો, જેથી ટ્રાફિક-જૅમમાં ફસાવું ન પડે. હેવી વાહનોને પણ ઑલ્ટરનેટ રૂટ વાપરવા ભલામણ કરાઈ છે.
મૂળમાં મુંબઈથી પુણે જ નહીં, સાઉથમાં કોલ્હાપુર, સાતારા, કર્ણાટક, સોલાપુર, હૈદરાબાદ એ સાઇડ તરફ જવા મુંબઈ-પુણે રોડ સરળ પડતો હોવાથી ત્યાં રોજ જ વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. એમાં પૅસેન્જર વેહિકલ્સ સાથે માલસામાન ટ્રાન્સપોર્ટ કરતાં હેવી વેહિકલ્સનો પણ સમાવેશ હોય છે. એથી એ રોડ પર ૨૪ કલાક વાહનોની અવરજવર રહે છે. વરસાદ પહેલાં બ્રિજનું કૉન્ક્રીટાઇઝેશન કરવાનું છે અને આ કામને અંદાજે એક મહિનાનો સમય લાગે એમ છે. એથી હાલ મુંબઈથી પુણે તરફની બે લેનને બંધ કરી માત્ર એક લેનને ચાલુ રાખવામાં આવશે, જેથી એ પૅચમાં ભારે ટ્રાફિક જૅમ થવાની સંભાવના છે.