✕

ઇન્ટરલૉકિંગ સિસ્ટમ શરૂ થયા પછી બોરીવલી સેક્શનમાં ટ્રેનો ૨૦ મિનિટ મોડી પડવાની ફરિયાદ

29 September, 2026 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉકેલ લાવવા રેલવેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્સ્પેક્શન માટે મુંબઈ આવી સ્ટેશનનો સર્વે કરશે

પ્રતીકાત્મક તસવીર

રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (સેફ્ટી) મુકુલ કુમાર ત્રણથી ૪ દિવસ માટે મુંબઈની મુલાકાતે આવશે અને બોરીવલી સેક્શનનું નિરીક્ષણ કરશે, જ્યાં ઇન્ટરલૉકિંગ સિસ્ટમ શરૂ થયા પછી મુસાફરોને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ ચર્ચગેટ ખાતે લૉબી અને રનિંગ-રૂમનું પણ નિરીક્ષણ કરે એવી અપેક્ષા છે.
બોરીવલી સેક્શનમાં નવી ઇન્ટરલૉકિંગ વ્યવસ્થાને કારણે લોકલ ટ્રેનોનાં ઑપરેશન્સ પર અસર પડી હોવાની ફરિયાદો વચ્ચે આ ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓએ કરેલી ફરિયાદોમાં દરરોજ ખાસ કરીને પીક અવર્સ દરમ્યાન લગભગ ૨૦ મિનિટનો વિલંબ નોંધાવ્યો છે. રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું કે એક લોકલમાં વિલંબ થવાથી એની પાછળની લોકલ પર પણ અસર પડી રહી છે, જેને કારણે સ્ટેશનો પર રાહ જોવાનો સમય લંબાઈ જાય છે અને ટ્રેનોમાં ભીડ પણ વધી જાય છે.
ઇન્ટરલૉકિંગ એક મહત્ત્વપૂર્ણ સલામતી સિસ્ટમ છે જે ટ્રેનોની ગતિવિધિને કન્ટ્રોલ કરે છે અને ટ્રેનો સામસામે આવી ન જાય, અથડામણ ન થાય એવા રૂટ સેટ કરે છે. આવી સિસ્ટમો કાર્યરત થાય એ પહેલાં સામાન્ય રીતે પૂરતું પરીક્ષણ અને ચકાસણી કરવામાં આવે છે. જોકે સિસ્ટમ સેવામાં લાવ્યા પછી ઑપરેશનલ મુશ્કેલીઓ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમની મુલાકાત દરમ્યાન મુકુલ કુમાર ઇન્ટરલૉકિંગ સિસ્ટમની કામગીરી, ઑપરેશનલ ઑબ્સ્ટેકલ્સ અને ડિલે પાછળનાં કારણોની સમીક્ષા કરીને એનો ઉકેલ લાવે એવી અપેક્ષા છે.

mumbai news mumbai indian railways mumbai local train