મુંબઈમાં ૨૦ ઑક્ટોબરથી ખૂલશે કૉલેજ પણ કેન્ટીન બંધ રહેશે

18 October, 2021 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ યુનિવર્સિટી હેઠળ મુંબઈ મહાનગરમાં લગભગ 790 કૉલેજો છે. આ કૉલેજોમાં લગભગ 7.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

લગભગ એક વર્ષ પછી, મુંબઈ સહિત મુંબઈ મહાનગરમાં કૉલેજ બુધવારથી ફરી ખૂલશે. રાજ્ય સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ મુંબઈ યુનિવર્સિટીએ રવિવારે વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી કૉલેજ સિવાય અન્ય કૉલેજમાં 20 ઓક્ટોબરથી ઓફલાઇન વર્ગો ચાલશે. કૉલેજ સ્ટાફ અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓને કૉલેજમાં પ્રવેશ મળશે નહીં.

વિદ્યાર્થીઓને ચેપથી સુરક્ષિત રાખવા માટે, કૉલેજની અંદર કેન્ટીન અને નજીકની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગખંડમાં વિદ્યાર્થી અને પ્રથમ બેન્ચના શિક્ષક વચ્ચે લગભગ છ ફૂટનું અંતર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એક બેંચ છોડીને બેસશે. વિદ્યાર્થીઓને એવી રમતો રમવાની છૂટ છે જેમાં તેઓ એકબીજા સાથે સીધા સંપર્કમાં ન આવે. સ્વિમિંગ પુલ બંધ રહેશે.

કૉલેજના ગેટ પર ભીડ ન થાય તે માટે, ગેટ પર એન્ટ્રી અને એકઝિટના જુદા જુદા સમય નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. દરેકને ગેટ પર દરેકનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. સામાજિક અંતર માટે માર્કિંગ કરવામાં આવશે. માત્ર એસિમ્પટમેટિક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. ડ્રાઈવરને વાહનમાંથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કૉલેજમાં ઓફિસમાં ફી જમા કરવા અને ફોર્મ ભરવા સહિત અન્ય કામ ઓનલાઈન કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ યુનિવર્સિટી હેઠળ મુંબઈ મહાનગરમાં લગભગ 790 કૉલેજો છે. આ કૉલેજોમાં લગભગ 7.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કૉલેજ ફરી શરૂ કરવા માટે મેનેજમેન્ટે સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગી લેવી પડશે. વહીવટ સાથે ચર્ચા કર્યા પછી, કૉલેજ 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓને બોલાવી શકે છે.

mumbai mumbai university mumbai news