ઠંડી બે દિવસ રજા પર, હવે વરસાદની શક્યતા

28 January, 2023 06:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિયાળાની આ સીઝનમાં મુંબઈમાં સારીએવી ઠંડી અનુભવાઈ છે. જોકે બે દિવસથી અચાનક તાપમાન વધતાં ઠંડી ગાયબ થઈ ગઈ છે અને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હજી શિયાળો પૂરો નથી થયો ત્યાં ગરમી પડવા લાગી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


મુંબઈ ઃ શિયાળાની આ સીઝનમાં મુંબઈમાં સારીએવી ઠંડી અનુભવાઈ છે. જોકે બે દિવસથી અચાનક તાપમાન વધતાં ઠંડી ગાયબ થઈ ગઈ છે અને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હજી શિયાળો પૂરો નથી થયો ત્યાં ગરમી પડવા લાગી છે. આગામી બે દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાને લીધે અચાનક હવામાનમાં ફેરફાર થયો છે. જોકે હવામાન વિભાગે ૨૯ જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
૨૦થી ૨૪ જાન્યુઆરી દરમ્યાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાતાં ઠંડીમાં સખત વધારો થઈ ગયો હતો અને તાપમાન મહાબળેશ્વર કરતાં પણ નીચું નોંધાયું હતું. જોકે પાંચ દિવસ એટલે કે ૨૫ જાન્યુઆરીથી જેવી રીતે ઠંડીની શરૂઆત થઈ હતી એમ જ ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે.
કોલાબામાં ગઈ કાલે મિનિમમ ૧૮.૪ ડિગ્રી અને મૅક્સિમમ ૨૫.૭ ‌ડિગ્રી તેમ જ સાંતાક્રુઝમાં મિનિમમ ૨૮.૮ ડિગ્રી અને ‌મૅક્સિમમ ૧૬.૨ ડિગ્રી તાપમાન છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયું હતું. આગામી ૨૪થી ૪૮ કલાક પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ બે દિવસ દરમ્યાન રાજ્યના ઉત્તર અને મરાઠવાડામાં કેટલાંક સ્થળે વરસાદ થવાની શક્યતા છે. વરસાદની શક્યતાને કારણે જ અત્યારે હવામાનમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે એટલે અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે.
જોકે આ ૨૯ જાન્યુઆરી બાદ હવામાનમાં ફરી ફેરફાર થશે અને ફરી ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી મુજબ ૨૯ જાન્યુઆરી પછી જમ્મુ અને કાશ્મીર ઉપરાંત ઉત્તર ભારતનાં રાજ્યોમાંથી ફરી ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે એટલે ઠંડીની વધુ એક લહેર આવી શકે છે. 

mumbai news mumbai rains