ગજબ સંયોગઃ પુણેના શુભમ જાધવને તમામ છ વિષયમાં આવ્યા ૩૫-૩૫ માર્ક

18 June, 2022 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એસએસસીનું રિઝલ્ટ જાહેર થયું હતું એમાં પુણેના એક વિદ્યાર્થીને તમામ છ વિષયમાં ૩૫-૩૫ માર્ક આવ્યા હોવાથી તે સ્ટુડન્ટની સાથે તેના મિત્રો પણ ચોંકી ઊઠ્યા છે.

તમામ છ વિષયમાં ૩૫-૩૫ માર્ક મેળવનારા પુણેના શુભમ જાધવને મિત્રોએ ઊંચકી લઈને શુભેચ્છા આપી હતી.

સ્કૂલની પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૩૫ માર્ક મેળવવા જરૂરી હોય છે. ભણવામાં નબળા હોય એવા કેટલાક વિદ્યાર્થીઓને એક કે બે વિષયમાં ૩૫ માર્ક આવ્યા હોય એવું અનેક વખત બને છે, પરંતુ કોઈ વિદ્યાર્થીને તમામ છએ છ વિષયમાં ૩૫-૩૫ માર્ક આવ્યા હોય એવું જવલ્લે જ બને. ગઈ કાલે એસએસસીનું રિઝલ્ટ જાહેર થયું હતું એમાં પુણેના એક વિદ્યાર્થીને તમામ છ વિષયમાં ૩૫-૩૫ માર્ક આવ્યા હોવાથી તે સ્ટુડન્ટની સાથે તેના મિત્રો પણ ચોંકી ઊઠ્યા છે.
૨૦૧૫માં ત્યારના એજ્યુકેશન મિનિસ્ટર તરફથી જેને એસએસસીમાં બધા વિષયોમાં ૩૫-૩૫ માર્ક આવે તેને સાઇકલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
પુણેના ગંજપેઠમાં રહેતો શુભમ જાધવ હાર્ડવેઅરની દુકાનમાં કામ કરે છે અને સાથે સ્કૂલમાં ભણે પણ છે. તેણે આ વર્ષે લેવામાં આવેલી એસએસસીની પરીક્ષા આપી હતી. ગઈ કાલે રિઝલ્ટ જાહેર થયું ત્યારે તેણે સૌને ચોંકાવી દીધા હતા. શુભમને મરાઠી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન વગેરે વિષયમાં પાસિંગ કહી શકાય એટલા એક્ઝૅક્ટ ૩૫-૩૫ માર્ક મળ્યા છે. આવા રિઝલ્ટથી શુભમ ચોંકી ઊઠ્યો છે.
શુભમ ભણવાની સાથે હાર્ડવેઅરની દુકાનમાં મહિને છ હજાર રૂપિયાની નોકરી કરે છે, જ્યારે તેના પિતા પાણીની ટાંકી રિપેર કરવાનું કામ કરે છે તો તેની માતા કૅરટેકર તરીકે કામ કરે છે. શુભમને નવમા ધોરણમાં ૬૭ ટકા આવ્યા હોવાથી એસએસસીમાં એનાથી વધુ ટકા આવવાની તેને અપેક્ષા હતી. રમણબાગ સ્કૂલમાં ભણતા શુભમે ગઈ કાલે બપોરના એક વાગ્યે મિત્રો સાથે એસએસસીનું રિઝલ્ટ જોયા બાદ ખ્યાલ આવ્યો હતો કે તેને તમામ છએ છ વિષયમાં ૩૫-૩૫ માર્ક આવ્યા છે. આ જોઈને શુભમ ચોંકી ઊઠ્યો હતો. તેના મિત્રોને તેનાથી વધુ ટકા આવ્યા હોવાથી તે નારાજ થઈ ગયો હતો.‍
પરીક્ષામાં પાસ થવા માટે જરૂરી ૩૫ માર્ક મેળવવા સામે ‍તમામ વિષયમાં આટલા જ માર્ક મેળવવા એ જવલ્લે જ બનતી ઘટના હોવાથી તેના મિત્રોએ શુભમને ઊંચકી લઈને શુભેચ્છા આપી હતી કે એક પણ વિષયમાં ૩૫થી ઓછા માર્ક આવ્યા હોત તો નપાસ થાત, એની સામે પાસ તો થઈ ગયો છેને.

Mumbai mumbai news pune news pune