30 April, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ અને પુણે વચ્ચે મુસાફરી કરતા લાખો મુસાફરો માટે આવતી કાલનો દિવસ મહત્ત્વનો રહેશે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લાંબા સમયથી રાહ જોવાતો હતો એ ‘મિસિંગ લિન્ક’ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે સોશ્યલ મીડિયા પર આ પ્રોજેક્ટનો વિડિયો શૅર કરીને એને રાજ્ય માટે ‘એન્જિનિયરિંગ માર્વેલ’ ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટનું આવતી કાલે મહારાષ્ટ્ર દિને ઉદ્ઘાટન થશે.
૧૩.૩ કિલોમીટર લાંબી આ મિસિંગ લિન્ક ખોપોલીને લોનાવાલા નજીક કુસગાવ સાથે જોડે છે. આ નવી લિન્ક અકસ્માતગ્રસ્ત ગણાતા ભોરઘાટ (ખંડાલા ઘાટ)ને બાયપાસ કરશે. હાલના ૧૯ કિલોમીટર લાંબા ઘાટ સેક્શનને બદલે આ નવો માર્ગ અંતરમાં ૬ કિલોમીટરનો ઘટાડો કરશે, જેનાથી મુસાફરીના સમયમાં પચીસથી ૩૦ મિનિટની બચત થશે. અંદાજે ૬૬૯૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં ૧.૭૫ કિલોમીટર અને ૮.૯ કિલોમીટરની બે વિશાળ ટનલ તથા ટાઇગર વૅલી પર ૧૮૨ મીટર ઊંચા પાઇલન ધરાવતો ૬૫૦ મીટર લાંબો કેબલ-સ્ટેય્ડ બ્રિજ બનાવવામાં આવ્યો છે.
પહેલી મેથી ૩૧ ઑક્ટોબર ૨૦૨૬ સુધીના પ્રારંભિક તબક્કા દરમ્યાન આ માર્ગ પર માત્ર લાઇટ મોટર વ્હીકલ (LMV) અને બસોને જ પ્રવેશ આપવામાં આવશે. ટ્રક અને જોખમી સામાન વહન કરતાં ભારે વાહનો પર હાલ પ્રતિબંધ રહેશે. પૅસેન્જર કાર માટે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક અને બસ કે ભારે પૅસેન્જર વ્હીકલ માટે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ-લિમિટ નક્કી કરવામાં આવી છે.