ખુદ બીએમસીને એના પ્રોજેક્ટ માટે જમીન નથી મળી રહી

19 September, 2022 10:07 AM IST  |  Mumbai | Suraj Pandey

શિપિંગ કન્ટેનરમાં હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરે ક્લિનિક શરૂ કરવા માટે જગ્યા ન મળતાં એની શરૂઆતમાં વિલંબ

ખાસ કરીને ઝૂંપડપટ્ટી માટે તૈયાર થનારા એચબીટી ક્લિનિક્સની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ શહેરમાં એટલી બધી ગીચ વસ્તી છે કે ખુદ સુધરાઈને પણ પોતાના પ્રોજેક્ટ માટે જગ્યા શોધવી મુશ્કેલ છે, જેનું સૌથી નવું ઉદાહરણ હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરે (એચબીટી) ક્લિનિક્સ છે. સુધરાઈએ ઝૂંપડપટ્ટીમાં આરોગ્યને લગતી સુવિધાઓ પૂરી પાડવા માટે કન્ટેનર ક્લિનિક ચલાવવાની ઘોષણા તો કરી, પરંતુ અધિકારીઓને એને મૂકવા માટે પૂરતી જગ્યા મળી નથી રહી. બે ડેડલાઇન વીતી ગયા બાદ હવે બીએમસીએ બીજી ઑક્ટોબરથી એ શરૂ કરવાની ઘોષણા કરી છે. બજેટમાં ૨૦૦ આવાં ક્લિનિક ખોલવાની વાત હતી. હવે બીજી ઑક્ટોબરથી ૫૦ ક્લિનિક શરૂ કરાશે. સુધરાઈના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એચબીટી ક્લિનિક માટે ઓછામાં ઓછી ૬૦૦થી ૧૦૦૦ ચોરસ ફુટ જગ્યાની જરૂર છે. દરેક ક્લિનિકમાં ત્રણ કન્ટેનર હશે, પરંતુ આટલી જગ્યા મળવી પણ મુશ્કેલ છે. જી-નૉર્થ વૉર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ક્લિનિક માટેની મોટા ભાગની જગ્યાઓ પર અતિક્રમણ થયું છે અથવા તો અમુક જગ્યાએ આડેધડ ગટરની લાઇનો છે. આવી જ હાલત ગોવંડી, માનખુર્દ, બાંદરા, અંધેરી-ઈસ્ટ, જોગેશ્વરી અને દહિસરમાં છે. ત્યાં પણ જગ્યાની અછત છે. મોટા ભાગની જગ્યા પર સ્લમ માફિયાઓએ ગેરકાયદે કબજો જમાવ્યો છે. એથી અધિકારીઓએ વિનંતી કરી છે કે ૬૦૦ ફુટને બદલે ૩૦૦થી ૪૦૦ ફુટની જગ્યા હોય તો પણ ક્લિનિક શરૂ કરવાની મંજૂરી આપો. 

mumbai mumbai news brihanmumbai municipal corporation