કલ્યાણ-ડોમ્બિવલી પછી બીજી ૪ મહાનગરપાલિકાઓએ ૧૫ ઑગસ્ટે મૂક્યો નૉન-વેજના વેચાણ પર બૅન

13 August, 2025 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠરાવમાં ૧૫ ઑગસ્ટ સહિત ગાંધી જયંતી, મહાવીર જયંતી, સંવત્સરી, ગણેશ ચતુર્થી અને ૧૫ નવેમ્બરે પણ ​ચિકન-મટનના વેચાણ પર બંધી મૂકવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના ડેપ્યુટી કમિશનર (લાઇસન્સ) કંચન ગાયકવાડે ૧૫ ઑગસ્ટના સ્વતંત્રતાદિને KDMCની હદમાં આવતી ચિકન-મટનની દુકાનો અને બધાં જ કતલખાનાં બંધ રાખવાનો આદેશ આપ્યો એ પછી માલેગાવ, નાગપુર, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ ૧૫ ઑગસ્ટે ચિકન-મટનની દુકાનો અને કતલખાનાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાક્રમને પગલે માંસાહાર કરતા લોકોમાં નારાજગી ફેલાઈ છે એટલું જ નહીં, હિન્દુ ખાટકી સમાજે પણ આનો વિરોધ કર્યો છે. જોકે આ ઠરાવ ૧૯ ડિસેમ્બર ૧૯૮૮ની ત્યારની KDMCએ પાસ કર્યો હતો. એ ઠરાવમાં ૧૫ ઑગસ્ટ સહિત ગાંધી જયંતી, મહાવીર જયંતી, સંવત્સરી, ગણેશ ચતુર્થી અને ૧૫ નવેમ્બરે પણ ​ચિકન-મટનના વેચાણ પર બંધી મૂકવામાં આવી છે.

KDMCના કમિશનર અભિનવ ગોયલે કહ્યું હતું કે ‘આ પ્રકારનો આદેશ છેલ્લાં ૧૫ વર્ષથી સુધરાઈ દર વર્ષે કાઢતી આવી છે. એથી આ વર્ષે પણ આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રશાસનના સર્ક્યુલરમાં કહેવાયું છે કે સ્થાનિક સ્તરે જો જરૂર જણાશે તો આ પ્રકારનો નિર્ણય લઈ શકશે. છેલ્લાં ૧૫ વર્ષથી સુધરાઈ આ આદેશ આપી રહી છે. આ વર્ષે અમે કંઈ નવો આદેશ આપ્યો હોય એવું નથી. એથી એને અનુસરીને આ વર્ષે પણ અમે આ આદેશ બહાર પાડ્યો છે.’

વિરોધ પક્ષે, ખાસ કરીને NCP (SP)ના જિતેન્દ્ર આવ્હાડે આ મુદ્દાને વ્યર્થ કહ્યો છે. તેમનું કહેવું છે કે સ્વતંત્રતાના જ દિવસે ખાવા-પીવાની સ્વતંત્રતા ઝૂંટવી લે એવો તે કેવો કાયદો? અમે ૧૫ ઑગસ્ટે કલ્યાણમાં ચિકન-મટન પાર્ટી કરીશું એવો પડકાર તેમણે KDMCને ફેંક્યો છે, જ્યારે આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે તમે અમારા પર શાકાહાર ન લાદી શકો. 

kalyan dombivali municipal corporation news mumbai mumbai news independence day hinduism food news maharashtra government