19 March, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છોટા રાજન
દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરના ડ્રાઇવર-કમ-બૉડીગાર્ડની ૨૦૧૧માં કરવામાં આવેલી હત્યાના કેસમાં સ્પેશ્યલ કોર્ટે ગઈ કાલે છોટા રાજનને દોષમુક્ત જાહેર કર્યો હતો. મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) હેઠળ નોંધવામાં આવેલા આ કેસમાં સ્પેશ્યલ જજ એ. એમ. પાટીલ સમક્ષ છોટા રાજનને વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યો હતો. અત્યારે રાજન દિલ્હીની તિહાડ જેલમાં છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે જો બીજા કોઈ ગુના કે કેસમાં તેની કસ્ટડીની જરૂર ન હોય તો રાજનને જેલમાંથી રિલીઝ કરી દેવો જોઈએ. જોકે છોટા રાજન પત્રકાર જે.ડેના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હોવાથી તિહાડ જેલમાંથી બહાર નહીં આવી શકે. ૨૦૧૧ની ૧૭ મેએ બે જણે ઇકબાલ કાસકરના ડ્રાઇવર-કમ-બૉડીગાર્ડ આરિફ અબુનાકર સૈયદને ગોળીઓ મારી હતી. આ કામ તેમણે છોટા રાજનના ઇશારે કર્યું હોવાથી તેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો.