ચર્ની રોડના સ્કાયવૉક પર સુકાય છે ગોદડાં અને કપડાં

31 July, 2016 03:28 AM IST  | 

ચર્ની રોડના સ્કાયવૉક પર સુકાય છે ગોદડાં અને કપડાં


રેલવેના પરિસરમાં થતી ભીડને કારણે લોકો સરળતાથી ચાલી શકે અને ટ્રાફિક જૅમ પણ ન થાય એ માટે સ્કાયવૉકનો લોકો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે આ સ્કાયવૉકનો ઘણી જગ્યાએ ચરસીઓ અને ભિક્ષુકો દ્વારા ઉપયોગ થતો જોવા મળે છે. ચર્ની રોડમાં આવેલા સ્કાયવૉક પર તમે એક નજર નાખશો તો આશ્ચર્યમાં પડી જાઓ એવી પરિસ્થિતિ જોવા મળશે. આ સ્કાયવૉક પર કપડાં અને ગોદડાં સૂકવવામાં આવ્યાં છે. કપડાં એવી રીતે સૂકવવામાં આવ્યાં છે કે લોકો સ્કાયવૉક પર ચાલે તો આડે આવે છે.

કાંદિવલીમાં રહેતા એક ગુજરાતીએ પોતાની સાથે બનેલા બનાવ વિશે જણાવ્યું હતું કે ‘સ્કાયવૉક પરથી પસાર થતી વખતે અજબનું કૌતુક જોવા મળ્યું હતું. સ્કાયવૉકના છાપરા પર રહેલા પાઇપ પર કેટલાંય ગોદડાં સૂકવવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, સાઇડ પર રહેલા પાઇપ પર પણ કપડાં સૂકવવામાં આવ્યાં હતાં. હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ધ્યાન ન રહેતાં પાણીથી ભીનું એક ગોદડું મારા માથા પર પડ્યું હતું. એટલે મારાં ઑફિસનાં કપડાં ગંદાં થવાની સાથે મોબાઇલ પણ હાથમાંથી પડી ગયો હતો અને એમાં સ્ક્રૅચ આવ્યો હતો. મારો દિવસ એને લીધે ખરાબ થઈ ગયો હતો. ત્યાંથી પસાર થતા બીજા લોકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા હતા. નવાઈની વાત એ છે કે આ રીતે હિંમત કરીને કપડાં સૂકવવામાં આવે છે તો પણ એની સામે કોઈ ઍક્શન લેવામાં આવતી ન હોવાથી આ લોકોને મજા પડી ગઈ છે.’