મુંબઈની સ્કૂલોની કૅન્ટીનના મેનુમાં ફેરફાર શરૂ

21 August, 2026 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્કડિઓશન બોર્ડ ઑફ એજ્યુકેશનની સ્કૂલોમાં વડાપાંઉ અને સમોસાની જગ્યાએ ઇડલી, ઢોસા અને ઉપમા

તુકારામ મુંઢે

મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જન્ક-ફૂડ પર કડક કાર્યવાહી શરૂ કર્યા પછી મુંબઈની સ્કૂલોમાં વડાપાંઉ, સમોસા અને ઍરેટેડ ડ્રિન્ક્સ જેવી લોકપ્રિય આઇટમોને હેલ્ધી વિકલ્પો સાથે બદલાઈ રહી છે. આર્કડિઓશન બોર્ડ ઓફ એજ્યુકેશન (ABE) દ્વારા સંચાલિત સ્કૂલોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એની કૅન્ટીનોએ એમના મેનુમાંથી તળેલા નાસ્તા અને સૉફ્ટ ડ્રિન્ક્સ દૂર કર્યાં છે અને વિદ્યાર્થીઓને હવે ઇડલી, ઢોસા, પૌંઆ, શીરો અને ઉપમા જેવી વસ્તુઓ પીરસવામાં આવશે.

મહારાષ્ટ્ર FDA દ્વારા ચાલુ ફૂડ-સેફ્ટી ડ્રાઇવના ભાગરૂપે સ્કૂલોને એમના કૅમ્પસમાં જન્ક-ફૂડ વેચવા સામે ચેતવણી આપ્યા પછી આ ફેરફારો કરવામાં આવ્યા છે. સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાજ્યભરની સ્કૂલોને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ રૂલ્સ, 2020નું કડક પાલન કરવાનો નિર્દેશ આપતો સર્ક્યુલર બહાર પાડ્યો હતો.

નવી ગાઇડલાઇન્સ હેઠળ સ્કૂલોએ એ પણ ધ્યાન રાખવું પડશે કે એમના પરિસરથી ૫૦ મીટરની અંદર કોઈ હાઈ ફૅટ, શુગર ઍન્ડ સૉલ્ટ (HFSS) ખોરાક વેચવામાં ન આવે.

જો કૅન્ટીન કે આસપાસના ખાદ્ય સામગ્રી વિક્રેતાઓ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો સ્કૂલોને FDAને આ બાબતની જાણ કરવા કહેવામાં આવ્યું છે. 

mumbai news mumbai food news food and drink mumbai food food and drug administration tukaram mundhe