લાંચ લેવાના કેસમાં ચંદા કોચર દોષી, વિડિયોકૉનને ૩૦૦ કરોડની લોન આપીને ૬૪ કરોડ લેવામાં આવ્યા

23 July, 2025 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોન પાસ કરવી એ ICICI બૅન્કની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન છે. ટ્રિબ્યુનલે ૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ મુક્ત કરીને કોચરને રાહત આપવાના નિર્ણયની પણ ટીકા કરી હતી.

ચંદા અને દીપક કોચર

અપેલેટ ટ્રિબ્યુનલે ICICI બૅન્કનાં ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ચંદા કોચરને ૩૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાના બદલામાં વિડિયોકૉન ગ્રુપ પાસેથી ૬૪ કરોડ રૂપિયાની લાંચ લેવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યાં હતાં. ICICI બૅન્ક દ્વારા લોન મંજૂર કર્યા પછી આ રકમ બદલામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ વિડિયોકૉનની કંપની SEPL દ્વારા ન્યુપાવર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ (NRPL)ને મોકલવામાં આવી હતી, જેનું સંચાલન ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા કરવામાં આવે છે.

૩ જુલાઈએ આપેલા આદેશમાં ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે આ ચુકવણી સ્પષ્ટપણે ‘ક્વિડ પ્રો ક્વો’ (કંઈક આપવાના બદલામાં કંઈક લેવું)નો કેસ હતો જે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા વિડિયોકૉન સાથે જોડાયેલી કંપની દ્વારા કરવામાં આવ્યો હતો.

ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના કેસને સમર્થન આપ્યું અને કહ્યું કે કોચર આ મુદ્દે ખુલાસો કરવામાં નિષ્ફળ ગયાં હતાં. લોન પાસ કરવી એ ICICI બૅન્કની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન છે. ટ્રિબ્યુનલે ૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ મુક્ત કરીને કોચરને રાહત આપવાના નિર્ણયની પણ ટીકા કરી હતી.

લોન પાસ, બીજા દિવસે ૬૪ કરોડની ચુકવણી

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે ‘વિડિયોકૉનના યુનિટ SEPL દ્વારા દીપક કોચર દ્વારા સંચાલિત કંપની NRPLને ૬૪ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. આ ચુકવણી ICICI બૅન્ક દ્વારા ૩૦૦ કરોડ રૂપિયાની લોન જાહેર કર્યાના એક દિવસ પછી જ કરવામાં આવી હતી.’

ટ્રિબ્યુનલે કાગળ પર રમત પકડી લીધી

NRPLની માલિકી કાગળ પર વિડિયોકૉનના ચૅરમૅન વેણુગોપાલ ધૂત પાસે બતાવવામાં આવી હતી, પરંતુ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે કંપનીનું વાસ્તવિક નિયંત્રણ દીપક પાસે હતું જે એના મૅનેજિંગ ડિરેક્ટર (MD) પણ હતા. ટ્રિબ્યુનલે વધુમાં જણાવ્યું હતું કે ‘લોન પાસિંગ કમિટીના સભ્ય તરીકે કામ કરતી વખતે ચંદા કોચરે લોન લેનાર સાથેના તેમના પતિના વ્યાવસાયિક સંબંધોનો ખુલાસો કર્યો નહોતો. આ બૅન્કનાં હિતોના સંઘર્ષના નિયમોનું ઉલ્લંઘન કરે છે.’

mumbai news mumbai news icici bank crime news