સેન્ટ્રલ રેલવેની સ્વચ્છતાની સફરમાં વધુ એક કલગી ઉમેરાઈ

24 November, 2022 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીએસએમટી ખાતે વેસ્ટર્ન સ્ટાઇલના ટૉઇલેટમાં થઈ ઑટોમૅટિક સીટ-કવર અપની વ્યવસ્થા

શૌચાલય માટે બનાવવામાં આવેલાં ‘ઑટોમૅટિક સીટ-કવર અપ’

પબ્લિક ટૉઇલેટમાં જ્યાં વેસ્ટર્ન કમોડ-સીટ હોય છે ત્યાં મોટા ભાગના લોકો પેશાબ કરતાં પહેલાં સીટ-કવર ઉપાડતા નથી જે અન્ય લોકોને ઉપયોગ કરવા માટે અસ્વચ્છ બનાવે છે. એથી સેન્ટ્રલ રેલવેનું મુંબઈ ડિવિઝન આ સમસ્યાને દૂર કરવા માટે અનોખો આઇડિયા લઈને આવ્યું છે અને એ આ પ્રકારનું પ્રથમ ‘ઑટોમૅટિક સીટ-કવર અપ’ છે.

આ ઑટોમૅટિક સીટ-કવર લિફ્ટ-અપની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ યાંત્રિક રીતે પણ નૉન-ઇલેક્ટ્રિક રીતે કાર્ય કરશે. એને કારણે એ સીટ-કવરને હંમેશાં ‘લિફ્ટ-અપ પોઝિશન’માં રાખે છે. કોઈ વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરવા માગે ત્યારે તે એને સરળતાથી નીચે ધકેલી શકે છે. જ્યાં સુધી વ્યક્તિ એનો ઉપયોગ કરી રહી હોય ત્યાં સુધી એ નીચેની સ્થિતિમાં રહેશે અને પછી એ એની ઉપરની તરફ અને સામાન્ય સ્થિતિમાં આપમેળે ઉપર જશે. ઑટો લિફ્ટ-અપ માટે સ્પ્રિંગ્સની જોડી, માઉન્ટ કરવા માટે ઍલ્યુમિનિયમ-બેઝ પ્લેટ અને બોલ્ટની જોડીનો ઉપયોગ કરીને ગોઠવણ કરવામાં આવી છે. સીએસએમટી પર ઉપનગરીય અને મુખ્ય લાઇન પરનાં જાહેર શૌચાલયોમાં ‘ઑટોમૅટિક સીટ-કવર અપ’ આપવામાં આવ્યાં છે. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા પ્રમાણે આ ઑટોમૅટિક સીટ-કવર અપ ધીમે-ધીમે મુંબઈ ડિવિઝનનાં અન્ય રેલવે સ્ટેશનો પરનાં જાહેર શૌચાલયોમાં સ્થાપવામાં આવશે.

mumbai mumbai news central railway chhatrapati shivaji terminus