12 March, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાયજુઝે એની દેશભરની ઑફિસો બંધ કરી : કર્મચારીઓ કરશે વર્ક ફ્રૉમ હોમ
ભારે આર્થિક સંકડામણ અનુભવી રહેલી ઑનલાઇન એજ્યુકેશન આપતી બાયજુઝ કંપનીએ ખર્ચ ઓછા કરવા પોતાની દેશભરની ઑફિસો બંધ કરી દીધી છે અને કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાનું કહી દીધું છે. જોકે એણે બૅન્ગલોરના નૉલેજ પાર્કમાં આવેલું હૅડક્વૉર્ટર સાચવી રાખ્યું છે અને એનાં દેશભરમાં ફેલાયેલાં ૩૦૦ જેટલાં ટ્યુશન-સેન્ટર્સ જાળવી રાખ્યાં છે.
બાયજુઝમાં અત્યારે ૧૪,૦૦૦ જેટલા કર્મચારીઓ છે. બાયજુઝ ફેબ્રુઆરીની સૅલેરી ૧૦ દિવસ મોડી અને બે પાર્ટમાં આપી રહી છે અને બીજો પાર્ટ આપવામાં હજી વાર લાગશે એમ જણાવી દીધું છે. જોકે કંપનીના સીઈઓ અર્જુન મોહને કહ્યું કે કંપની અત્યારે રીકન્સ્ટ્રક્શન તબક્કામાં છે અને એને કારણે ઑફિસો બંધ કરવામાં આવી છે.
કંપનીએ ફન્ડની તંગીને કારણે છેલ્લા એક વર્ષમાં ઘણા કર્મચારીઓને છૂટા કર્યા છે. બીજી બાજુ બાયજુઝના સ્થાપક બાયજુ રવીન્દ્રન સાથે મતભેદ થતાં ડિરેક્ટર બોર્ડમાંથી ઇન્વેસ્ટર્સ પણ નીકળી ગયા છે.