સંપૂર્ણ એમએમઆરમાં બસનાં ભાડાં સમાન હોવાં જોઈએ : એમએમઆરટીએ

19 November, 2022 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાલુ મહિનામાં મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ સેક્રેટરી દ્વારા બોલાવાયેલી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

મુંબઈ (પી.ટી.આઇ.) : બસભાડાંમાં સમાનતા લાવવા તેમ જ બિનઆરોગ્યપ્રદ સ્પર્ધાને કાબૂમાં લાવવા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (એમએમઆરટીએ)એ સુધરાઈની બસસેવા (બેસ્ટ)ને અન્ય બસસેવા ઉપક્રમના વિસ્તારમાં એના કરતાં ઓછું ભાડું ન રાખવા જણાવ્યું હતું.  ચાલુ મહિનામાં મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ સેક્રેટરી દ્વારા બોલાવાયેલી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. એમએમઆરટીએએ એના આદેશમાં બેસ્ટ ઉપક્રમ તેમ જ અન્ય ટ્રાન્સપોર્ટની બસો જ્યારે અન્ય મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સંસ્થાના અધિકારક્ષેત્રમાં ચલાવતી હોય ત્યારે તેમનાં ભાડાં સંબંધિત વિસ્તારના ટ્રાન્સપોર્ટ ઉપક્રમ કરતાં ઓછાં ન હોય એનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. સામાન્યપણે લોકો ઓછા ભાડાવાળી બસમાં ચડવાનું પસંદ કરતા હોવાથી સ્થાનિક સંસ્થા દ્વારા ચલાવાતી બસોની સેવા પર અસર પડે છે તેમ જ એમને ખોટ જાય છે, જ્યારે બેસ્ટને નાણાકીય ટેકો હોવાથી ઓછાં ભાડાં પરવડે છે.

mumbai news