બાવીસ માળથી ઊંચા બિલ્ડિંગમાં ફરજિયાત ફાયર ઑફિસર રાખો

24 March, 2023 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવાં બિલ્ડિંગો માટે દર વર્ષે બે વાર ફાયર ઑડિટ કરવા અને ફાયર ઑફિસર તથા સુપરવાઇઝરની નિમણૂક ફરજિયાત કરવા માટે કાયદામાં સુધારાવધારા કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં મૂકવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મુંબઈમાં જમીનની કમી હોવાથી જે મકાનો બને છે એ ગગનચુંબી બનતાં જાય છે ત્યારે એ મકાનોમાં આગ લાગે ત્યારે બહુબધી સમસ્યાઓ સર્જાતી હોય છે. હવે રાજ્ય સરકાર દ્વારા એવી ઘટનાઓ રોકવા કાયદામાં ફેરફાર કરવાનું વિચારાઈ રહ્યું છે અને એ માટે કાયદામાં સુધારાવધારા કરવાનો પ્રસ્તાવ છે. મંગળવારે વિધાનસભામાં પ્રસ્તાવ માંડવામાં આવ્યો હતો કે જે મકાનો બાવીસ માળ કરતાં વધુ ઊંચાઈનાં હોય તેમણે દર વર્ષે બે વાર ફાયર ઑડિટ કરાવવું પડશે; એટલું જ નહીં, કાયમી ધોરણે એક ફાયર ઑફિસર અને સુપરવાઇઝરની પણ નિમણૂક કરવાની રહેશે. આની પાછળનો હેતુ એ છે કે જો સતત મૉનિટરિંગ થતું હશે તો આગની ઘટના પર કાબૂ મળેવી શકાશે અને જો આગ લાગે તો એના પર તરત જ ઍક્શન લઈ શકાશે. વળી આ કાયદાનો કડકપણે અમલ થાય એ માટે એનો ભંગ કરનારને ત્રણ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવાયું છે કે કાયદો બની ગયા પછી દરેક હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ પ્રિમાઇસિસે એનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આ પ્રસ્તાવમાં એવી પણ જોગવાઈ રાખવામાં આવી છે કે જો એમએમઆરડી રીજનમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની ઇમારત બનાવવાની હોય તો એમાં હવે ૩૦ મીટરની ઊંચાઈને બદલે ૪૫ મીટરની ઊંચાઈ વધારી શકાય અને વર્ટિકલ પાર્કિંગ માટે પહેલાં જે ૪૫ મીટરની છૂટ હતી એ વધારીને ૧૦૦ મીટર કરવામાં આવે.  

mumbai mumbai news vidhan bhavan maharashtra