16 October, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ પવાર
વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)ના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર પર કરોડો રૂપિયાની લાંચ લેવાનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં અનિલ પવારની ધરપકડ કરવામાં આવી છે જેને બૉમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે ગણાવી છે. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે અનિલ પવારની ધરપકડ કરી એ સમયે અરેસ્ટિંગ ઑફિસર પાસે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટની કલમ ૧૯ મુજબ ધરપકડ માટે જરૂરી કોઈ ઠોસ પુરાવા નહોતા.
બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની ખંડપીઠે સ્પેશ્યલ કોર્ટે આપેલા જુડિશ્યલ કસ્ટડીના આદેશને અમાન્ય રાખ્યો હતો તેમ જ અનિલ પવારને છોડી દેવાનો આદેશ આપ્યો હતો.
આ કેસમાં સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ અનિલ પવાર સહિત અન્ય ૩ આરોપીઓની ૭૧ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત ટાંચમાં લીધી હતી. કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનિલ પવારે ૩ વર્ષમાં ૧૬૯ કરોડ રૂપિયાથી વધુ લાંચ તરીકે લીધા હોવાનું EDએ જણાવ્યું હતું.