પુનામાં જન્મ્યો અફઘાની બાળક, હવે ઉભું થયું સંકટ તો કોર્ટે કર્યો ફેંસલો, જાણો મામલો

16 February, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)એ બાળક દત્તક એજન્સીની અરજી પર ગૃહ મંત્રાલયને નોટિસ જારી કરી છે.

બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)એ બાળક દત્તક એજન્સીની અરજી પર ગૃહ મંત્રાલયને નોટિસ જારી કરી છે. અરજીમાં ગૃહ મંત્રાલય દ્વારા એક વર્ષના અફઘાન બાળકને પાસપોર્ટ જારી કરવાની માંગ કરવામાં આવી છે જેથી કરીને તેને દંપતી દત્તક લઈ શકે. આ અરજી પર બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ અથવા તેમની ઑફિસના કોઈપણ વકીલને આ મામલે મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

નોંધનીય છે કે પૂણે (Pune)સ્થિત ભારતીય સમાજ સેવા કેન્દ્ર, દત્તક એજન્સીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક વર્ષના અફઘાન બાળકને પાસપોર્ટ આપવાનો નિર્દેશ આપે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકના માતા-પિતાએ 9 સપ્ટેમ્બર 2021ના રોજ બાળકને ભારતીય સમાજ સેવા કેન્દ્રને સોંપ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકનો જન્મ ભારતમાં થયો છે, તેથી તે ભારતીય પાસપોર્ટ મેળવવા માટે હકદાર છે, પરંતુ પાસપોર્ટ ન મળવાને કારણે બાળકને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ થઈ નથી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિદેશી દંપતી બાળકને દત્તક લે છે તો પાસપોર્ટ વગર બાળકને દત્તક લઈ શકાશે નહીં. કોર્ટે કહ્યું કે મામલો એટલો મોટો નથી અને તેને એડિશનલ સોલિસિટર જનરલની ઓફિસના વકીલની મદદથી ઉકેલી શકાય છે. કોર્ટે ગૃહ મંત્રાલયને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. આ સાથે કોર્ટે અરજીની કોપી સોલિસિટર જનરલની ઓફિસને મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટ હવે આ મામલે 1 માર્ચે સુનાવણી કરશે.

mumbai news pune news bombay high court