દીકરા પાસેથી પોતાની પ્રૉપર્ટી ખાલી કરાવવા માગતા પિતાને અદાલતે ખખડાવ્યા

09 December, 2025 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું કે કાયદો સિનિયર સિટિઝનને મદદ કરવા માટે છે, એનો દુરુપયોગ કરવા માટે નહીં

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

મેઇન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન્સ ઍક્ટની જોગવાઈઓ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે છે, એનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોનું રક્ષણ કરવા માટે છે, મકાન ખાલી કરાવવા માટે જોગવાઈઓનો દુરુપયોગ ન થવો જોઈએ એવું ટાંકતાં બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે ૭૫ વર્ષના વડીલને ટકોર કરી હતી.

ઑક્ટોબરમાં ટ્રિબ્યુનલે એક વ્યક્તિને તેના ૭૫ વર્ષના પિતાની માલિકીના બંગલાને ખાલી કરીને એનો કબજો પિતાને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈ કોર્ટે આ આદેશ ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું કે મકાન ખાલી કરાવવા માટેના માધ્યમ તરીકે વરિષ્ઠ નાગરિક કાયદાનો ઉપયોગ કરી શકે નહીં.

ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના નિવૃત્ત અધિકારીએ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર ગેરકાયદેસર રીતે વેપારી હેતુઓ માટે તેમની જગ્યાનો ઉપયોગ કરે છે. જોકે પિતા-પુત્ર વચ્ચે પહેલેથી જ પ્રૉપર્ટી બાબતે કરાર થઈ ચૂક્યો હોવા છતાં પિતાએ સિનિયર સિટિઝન ઍક્ટનો લાભ લઈને પુત્ર પાસેથી પ્રૉપર્ટી ખાલી કરાવવા માટે અરજી કરી હતી. તેથી કોર્ટે કાયદાનો દુરુપયોગ ગણાવીને અરજી ફગાવી દીધી હતી.

mumbai news mumbai bombay high court Crime News mumbai crime news