05 October, 2025 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે જુડિશ્યલ ઑફિસર સાથે અયોગ્ય વર્તન માટે તથા ભ્રષ્ટાચારના આરોપ સાથે નીચલી કોર્ટના બે ન્યાયાધીશને બરતરફ કર્યા છે. ઍડિશનલ સેશન્સ જજ ધનંજય નિકમ અને સિવિલ જજ ઇરફાન શેખને બરતરફ કરવાનો નિર્ણય શિસ્ત સમિતિની તપાસ બાદ લેવામાં આવ્યો હતો.
ધનંજય નિકમ પર લાંચ લેવાનો આરોપ છે અને ઇરફાન શેખ પર ભ્રષ્ટાચાર તથા તપાસ દરમ્યાન જપ્ત કરાયેલાં ડ્રગ્સનો દુરુપયોગ કરવાનો આરોપ છે. હાઈ કોર્ટે શુક્રવારે બન્નેને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ છેતરપિંડીના કેસમાં જામીન આપવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચ માગવા બદલ સાતારા જિલ્લાના સેશન્સ જજ ધનંજય નિકમ સામે કેસ દાખલ કર્યો હતો.
શું છે ધનંજય નિકમનો કેસ?
આ મામલે એક મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલાના પિતા ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમના પર એક વ્યક્તિને સરકારી નોકરીનું વચન આપીને છેતરપિંડી કરવાનો આરોપ છે. મહિલાએ જણાવ્યું હતું કે નીચલી અદાલતે તેના પિતાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. એ પછી તેણે સાતારાની સેશન્સ કોર્ટમાં જામીનઅરજી દાખલ કરી હતી અને ધનંજય નિકમે અરજીની સુનાવણી કરી હતી.
ACBએ આરોપ લગાવ્યો હતો કે ધનંજય નિકમના કહેવાથી બે વ્યક્તિએ મહિલા પાસે તેના પિતાને જામીન આપવાના બદલામાં પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે ૨૦૨૪ની ત્રણથી ૯ ડિસેમ્બર દરમ્યાન હાથ ધરાયેલી એની તપાસમાં લાંચ માગણીની પુષ્ટિ થઈ હતી. ACBએ જજ ઉપરાંત અન્ય ૩ વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે.
શું છે ઇરફાન શેખનો કેસ
RTI કાર્યકર કેતન તિરોડકરે બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાંના આક્ષેપો ચોંકાવનારા છે. આ અરજી હજી પણ પેન્ડિંગ છે. એમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ૨૦૨૧માં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારીઓ દ્વારા જે પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યાંથી જ NCBના અધિકારીઓ દ્વારા એક જુડિશ્યલ મૅજિસ્ટ્રેટની પણ અટકાયત કરવામાં આવી હતી, પણ તેમને ગુપ્ત રીતે છોડી દેવામાં આવ્યા હતા.
અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મૅજિસ્ટ્રેટ ઇરફાન ક્રૂઝ પર એટલા નશામાં હતા કે તેમને સીધા હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
અરજીમાં મૂકવામાં આવેલા આરોપો પ્રમાણે ઍડિશનલ ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ ઇરફાન શેખે બૅલાર્ડ પિયર ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) કોર્ટમાં કામ કરતી વખતે NCB દ્વારા એમની કોર્ટમાં જપ્ત કરીને પુરાવા તરીકે રાખવા આપેલા ડ્રગ્સનું તેમણે સીધું સેવન કર્યું હતું એટલું જ નહીં, એ ડ્રગ્સ બૉલીવુડમાં તેમના કેટલાક મિત્રો સાથે પણ શૅર કર્યું હતું એવો પણ આરોપ અરજીમાં મુકાયો છે.