29 September, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરાયેલી મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને એને લગતા ૧૪ જેટલા વહીવટી નિર્ણયો સામે થયેલી રિટ પિટિશન પર તાત્કાલિક સુનાવણી કરવાનો બૉમ્બે હાઈ કોર્ટની કોલ્હાપુર બેન્ચે સોમવારે સાફ ઇનકાર કર્યો હતો. અદાલતે આ મામલાની વધુ સુનાવણી બાવીસમી ઑક્ટોબર પર મુલતવી રાખી છે.
કોર્ટે સવાલ કર્યો હતો કે ‘આમાં તાકીદે સુનાવણી કરવા જેવું શું છે? શું આ જનહિતની અરજી છે? જો આ રિટ પિટિશન હોય તો ચૂંટણીપંચ સામે તમારો કયો અંગત અધિકાર છીનવાઈ રહ્યો છે?’
આ અરજી પ્રિન્સિપલ બેન્ચ સમક્ષ જવી જોઈએ કે નહીં એ વિશે પણ અદાલતે સવાલ ઉઠાવ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે આ અરજી એવા નોંધાયેલા મતદારો વતી દાખલ કરવામાં આવી છે જેમના અધિકારોનું હનન થઈ રહ્યું છે. આ પિટિશનમાં ભારતના ચૂંટણીપંચ અને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા મતદારયાદીમાંથી નામો રદ કરવા, ફરી ઉમેરવા અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરોના કામકાજ વિશે લેવાયેલા ૧૪ વહીવટી નિર્ણયોને પડકારવામાં આવ્યા છે.