11 April, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ કામરા
મુંબઈ પોલીસે સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાની સામે કરેલા પોલીસકેસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તેણે જે હોટેલના સ્ટુડિયોમાં કૉમેડી શોનું શૂટિંગ કર્યું હતું એના પર હથોડો માર્યો હોવાથી એની ખિલાફ પચીસ વર્ષના એક લૉ સ્ટુડન્ટે જાહેર હિતની યાચિકા બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી. જોકે કોર્ટે હર્ષવર્ધન ખાંડેકરની આ પિટિશનને રદબાતલ કરી નાખી હતી.
યાચિકાકર્તાએ કુણાલ કામરાની સામે જે FIR દાખલ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં કોર્ટને કહ્યું હતું કે ‘કૉમેડિયને માત્ર પોતાનાં રાજકીય મંતવ્યો રજૂ કર્યાં હતાં અને એના માટે FIR દાખલ કરવો એ બંધારણે આપેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. આ સરકારની સહયોગી પાર્ટીના અમુક નેતાઓએ કુણાલ કામરાના કૉમેડી શોનો વિડિયો શૅર કે અપલોડ કરનારા સામે સખત કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે જે યોગ્ય નથી.’
જોકે આની સામે સરકારી વકીલે કહ્યું હતું કે આ વિડિયો શૅર કે અપલોડ કરનારા સામે સરકારે કોઈ ઍક્શન નથી લીધી. આ વાતની નોંધ લઈને કોર્ટે કહ્યું હતું કે ‘સરકારે વેરની વૃત્તિ સાથે કોઈની સામે ઍક્શન લીધી હોય એવી કોઈ ઘટના નથી બની. એટલું જ નહીં, જે વ્યક્તિની ખિલાફ ફરિયાદ નોંધવામાં આવી છે તેણે આ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તે કોઈ ગરીબ કે અભણ વ્યક્તિ નથી. તમે (પિટિશનર) શું કામ તેના માટે લડી રહ્યા છો? કુણાલ કામરાએ તેની સામે દાખલ કરવામાં આવેલો FIR રદ કરાવવા અમારી સમક્ષ અરજી પણ કરી છે અને મદ્રાસ હાઈ કોર્ટમાંથી તેને ધરપકડની સામે ઇન્ટરિમ પ્રોટેક્શન પણ મળ્યું છે. આ બધું ધ્યાનમાં લઈને અમે આ યાચિકાનો અત્યારે નિકાલ કરીએ છીએ.’ કુણાલ કામરાએ પિટિશન રદ કરવાની જે અરજી કરી છે એના પર કોર્ટે ૧૬ એપ્રિલે સુનાવણી રાખી છે.