ડામરના રસ્તા પર ખાડા પૂરવા અને ડામરને રીયુઝ કરવા BMC ૭.૧૫ કરોડનું મશીન વસાવશે

05 December, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં જૂન ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૪ દરમ્યાન ૨૩,૦૦૦ કરતાં વધુ ખાડા પડ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના રસ્તા પર ખાડા પડવા એ મુંબઈગરા માટે નવું નથી. જોકે આ સમસ્યાને નાથવા અનેક પ્રયાસો કરવા છતાં BMCને નિષ્ફળતા મળે છે અને એટલે દર વર્ષે એના પર પસ્તાળ પડે છે તથા માછલાં ધોવાય છે. એથી હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા BMC ૭.૧૫ કરોડ રૂપિયા ખર્ચીને એક મશીન ખરીદવાની છે. આ ઇન્ફ્રારેડ મશીન ડામર રીસાઇકલ કરશે જેથી એક વખત વપરાયેલો ડામર ફરી વાપરી શકાશે. BMCએ દાવો કર્યો છે કે આ મશીનને કારણે ડામર વ્યવસ્થિત પથરાશે અને ખાડા નહીં પડે. વળી આ મશીનથી ખાડા પૂરવા સાથે જ રોડ પર પડી ગયેલા ચીરા અને રોડની તૂટેલી કિનાર પણ રિપેર થઈ શકશે.

મશીન કઈ રીતે કામ કરશે?

રસ્તા પર ખાડા પડે તો એમાંનો જ ડામર રીસાઇકલ કરીને ફરી વાપરવામાં આવશે. આ મશીનથી રીસાઇકલ કરાયેલો જૂનો હૉટ મિક્સ ડામર અને નવો હૉટ મિક્સ ડામર બન્નેને ઇન્ફ્રારેડથી સમાન તાપમાન પર લાવીને એના પર પ્રક્રિયા કરવામાં આવશે અને એ પછી એના વડે ખાડા પૂરવામાં આવશે.

મુંબઈમાં સૌથી વધુ ખાડા ક્યાં છે?

મુંબઈમાં જૂન ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૪ દરમ્યાન ૨૩,૦૦૦ કરતાં વધુ ખાડા પડ્યા હતા. એમાંના મોટા ભાગના ખાડા પૂરી દેવામાં આવ્યા છે. આ વર્ષે સૌથી વધુ ખાડા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પડ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત મલાડ, અંધેરી, દાદર, માહિમ, પ્રભાદેવી, પરેલ, લાલબાગ, ચેમ્બુર, માનખુર્દ, તિલકનગર, અણુશક્તિનગર અને ભાયખલામાં પણ વધુ પ્રમાણમાં ખાડા હોવાનું જણાઈ આવ્યું હતું.

મશીનનું મેઇન્ટેનન્સ કંપની જ કરશે

આ મશીન ખરીદવા માટે BMCએ ટેન્ડર બહાર પાડ્યું હતું. એ પછી એક કંપનીની પસંદગી કરવામાં આવી હતી. હવે એ કંપની પાસેથી બે વર્ષ માટે એ મશીન લેવામાં આવ્યું છે. એ માટે BMC એને ૭.૧૭ કરોડ રૂપિયા ચૂકવવાની છે. જોકે આ સમય દરમ્યાન એ મશીનનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગ એ કંપની જ સંભાળશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation eastern express highway western suburbs mumbai suburbs