ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાંચ લાખ વાંસના છોડ ઉગાડવામાં આવશે

07 February, 2024 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૧૦૦ છોડની ખેતીનું ટેન્ડરિંગ કામ પ્રક્રિયામાં છે

પ્રતીકાત્મક તસવીર

બીએમસીએ આશરે પાંચ લાખ વાંસના છોડ ઉગાડીને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગ્રીન સ્ટ્રેચ વિકસાવવાનું નક્કી કર્યું છે. સુધરાઈના ચીફ આઇ. એસ. ચહલે જણાવ્યું હતું કે ‘પ્રથમ ફેઝમાં ભાંડુપથી વિક્રોલીના કન્નમવરનગર સુધી ઈસ્ટર્ન એક્સપ્રેવ હાઇવે પર વાંસ વાવવામાં આવશે. ૮૧૦૦ છોડની ખેતીનું ટેન્ડરિંગ કામ પ્રક્રિયામાં છે. ગાર્ડન ડિપાર્ટમેન્ટ આશરે પાંચ લાખ છોડ ઉગાડવા માટે સ્થાનોની ઓળખ કરી રહ્યું છે.’

બીએમસીએ શા માટે વાંસ વાવવાનું નક્કી કર્યું એ સમજાવતાં એક અધિકારીએ એક સંશોધન ટાંકીને જણાવ્યું હતું કે ‘વાંસ વૃક્ષોની સરખામણીમાં ૩૫ ટકા વધુ ઑક્સિજન ઉત્સર્જન કરે છે. કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવાની આ એક સરસ રીત છે. ઉપરાંત વાંસ અન્યની સરખામણીમાં ઓછી જાળવણી ધરાવતો છોડ છે અને એ ઝડપથી વિકસતી પ્રજાતિ છે.’

વાંસના વાવેતર-નિષ્ણાત સંજીવ કર્પેએ જણાવ્યું હતું કે વાંસ વધુ કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને અન્ય છોડ કરતાં વધુ ઑક્સિજનનું વિસર્જન કરે છે. આર્બોરીકલ્ચરિસ્ટ વૈભવ રાજેએ કહ્યું હતું કે ‘મને વાંસના ઑક્સિજન ડિસ્ચાર્જ વિશેના સંશોધન વિશે ખાતરી નથી, પરંતુ એના નોંધપાત્ર ફાયદા છે. વાંસ સૌથી ઝડપથી વિકસતી છોડની પ્રજાતિ છે અને એ સ્વઉત્પાદન કરતી પ્રજાતિ હોવાને કારણે એની વાવણી ફરીથી કરવાની જરૂર નહીં રહે. એનો વિકાસ એકસાથે થતો હોવાથી હાઇવે પર કુદરતી વાડ તરીકે એનો ઉપયોગ થઈ શકશે.’ 

mumbai news mumbai brihanmumbai municipal corporation eastern express highway western express highway