10 March, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈમાં હાલ મેટ્રો અને કોસ્ટલ રોડ સહિતનાં ચાલી રહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ, કન્સ્ટ્રક્શન-વર્કમાં થયેલો વધારો, વાહનોની સંખ્યામાં થયેલો વધારો એ બધું જોતાં છેલ્લા થોડા વખતથી મુંબઈની ઍર ક્વૉલિટી કથળી રહી છે અને ધૂળ સતત ઊડતી રહે છે એને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અવળી અસર પડે છે. એથી બીએમસીએ પણ આ બાબતને ગંભીરતાથી લઈને ઉપાય યોજવાનું શરૂ કર્યું છે.
હવે મુંબઈનાં વિવિધ ટ્રાફિક જંક્શનો, ગીચ વિસ્તારો, ડમ્પિંગ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારો જ્યાં ઍર ક્વૉલિટી વધુ ને વધુ ખરાબ થતી જણાય ત્યાંનો રિયલ ટાઇમ ડેટા મળી શકે અને કયા સમયે વધુ સમસ્યા સર્જાય છે એ જાણવા ચાર મોબાઇલ વૅન તૈયાર કરી છે. એમાં ઑટોમૅટિક ઍર ક્વૉલિટી સર્વે સેન્ટર ગોઠવવામાં આવશે. એણે કલેક્ટ કરેલા ડેટાને ઍનૅલાઇઝ કરીને આના પર શું ઉપાય યોજવા એની સ્પષ્ટ જાણ થઈ શકશે અને એ માટે ઝડપી પગલાં લઈ શકાશે.
ખાસ કરીને બીએમસીએ લોકો તેમના વિસ્તારની ઍર ક્વૉલિટી ખરાબ જણાય તો એની ફરિયાદ ઑનલાઇન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે. લોકો મોબાઇલ પર એ જગ્યાનો ફોટો પાડી બીએમસીને અપલોડ કરી એ જગ્યાનું ચોક્કસ ઍડ્રેસ આપીને ફરિયાદ કરી શકે છે. એથી લોકોની એ ફરિયાદની ચકાસણી અને ઉકેલ પણ આ મોબાઇલ વૅનથી થઈ શકશે.
બીએમસીના ડેપ્યુટી કમિશનર (પર્યાવરણ) મિનેશ પીંપળેએ કહ્યું હતું કે ‘લોકોની ઍર ક્વૉલિટીને લગતી ફરિયાદો આ મોબાઇલ વૅનને કારણે જલદી અટેન્ડ કરી શકાશે. એ સિવાય આ મોબાઇલ વૅનના ડેટાને કારણે ઍર પૉલ્યુશન કન્ટ્રોલ કરવામાં પણ સહાય થશે. સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે એવા વાયુઓની ગણતરી કરવા So2, PM 10, PM 2.5 જેવાં કુલ ૧૨ જેટલાં સ્ટાન્ડર્ડ્સ નક્કી કર્યાં છે અને એના આધારે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ નક્કી થાય છે. વળી એ માપવાની ચોક્કસ પદ્ધતિ પણ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે આપી છે. નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ સ્ટેટ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને આ માટે કામ કરતા એનજીઓને પણ કહ્યું છે કે એમના ડેટા કલેક્શન સેન્ટરની કાર્યક્ષમતા અને એનો વ્યાપ વધારો. આ ચાર મોબાઇલ વૅન સેન્ટરને કારણે હવે મુંબઈમાં વધુ ને વધુ જગ્યાનો એક્યુઆઇ (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ) અને ઍર પૉલ્યુશન લેવલ જાણી શકાશે.’
આખા મુંબઈમાં માત્ર ૨૧ મૉનિટરિંગ સ્ટેશન
ઍર ક્વૉલિટી સતત ચેક કરવા માટે કન્ટિન્યુઅસ ઍમ્બિયન્ટ ઑફ ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન (સીએએક્યુએમએસ) હોય છે. મુંબઈમાં આવાં માત્ર ૨૧ જ સ્ટેશન છે. ૨૦૧૮માં એ ૨૦ હતાં અને છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર એકનો જ વધારો થયો છે. આ સામે દિલ્હીમાં ૨૦૧૮માં ૨૫ હતાં એ ૨૦૨૦માં ૩૫ અને હવે ત્યાં ૪૦ સ્ટેશન કાર્યરત છે. બીએમસી હવે બીજાં ચારથી પાંચ સ્ટેશન બનાવવાનું છે.