રસ્તો ખોદે તે જ પૂરે : BMC રસ્તા ખોદનાર એજન્સીઓ માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં

05 August, 2026 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખોદકામ ૫૦ મીટરથી વધુ લંબાઈનું હશે તો એ એજન્સીએ યુટિલિટી ડક્ટ્સ નાખવી પડશે

પાઇપલાઇન માટેની અન્ડરગ્રાઉન્ડ ગટર) નાખવાનું ફરજિયાત

રસ્તાનું ખોદકામ કરતી એજન્સીઓ ખોદેલા રસ્તાનું જાતે જ રીસ્ટોરેશન કરે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એક પૉલિસી ટૂંક સમયમાં અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આ નવી નીતિ મુજબ જો કોઈ ખોદકામ ૫૦ મીટરથી વધુ લંબાઈનું હશે તો એ એજન્સી માટે જમીનની અંદર આવેલા વીજળીના વાયરો, ફાઇબર ઑપ્ટિક્સ, ટેલિકૉમ વાયર્સ અને પાણીની પાઇપલાઇનોને નુકસાન ન થાય એ માટેની યુટિલિટી ડક્ટ્સ (કેબલ અને પાઇપલાઇન માટેની અન્ડરગ્રાઉન્ડ ગટર) નાખવાનું ફરજિયાત કરવામાં આવશે.
હાલની વ્યવસ્થા મુજબ BMC પોતે ખોદાયેલા રસ્તાઓનું સમારકામ કરે છે અને એ માટે સંબંધિત એજન્સીઓ પાસેથી રીઇનસ્ટેટમેન્ટ ચાર્જ (પૂર્વવત્ કરવાનો ખર્ચ) વસૂલ કરે છે. પ્રસ્તાવિત પૉલિસી મુજબ જો ખોદકામ કરનાર એજન્સી જાતે જ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરશે તો BMC એમની પાસેથી વસૂલ કરવામાં આવતા ચાર્જમાં ઘટાડો કરીને એને વાજબી બનાવશે. જોકે જો એજન્સી જાતે સમારકામ કરવાનો ઇનકાર કરશે તો BMC જરૂરી ચાર્જ વસૂલીને પોતે આ કામગીરી હાથ ધરશે.
BMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે રસ્તાઓની ખરાબ સ્થિતિ માટે વારંવાર થતું ખોદકામ એ મુખ્ય કારણોમાંથી એક છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે ‘રસ્તાઓની નીચે વિવિધ સર્વિસિસની યુટિલિટી લાઇનો આવેલી હોવાથી સતત થતા ખોદકામનો કાયમી ઉકેલ મળી શક્યો નથી. પરિણામે ક્યારેય રસ્તાઓનો ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ એટલે કે કોઈ  ખામી રહી ગઈ હોય તો એ સુધારવાનો સમયગાળો પૂરો થઈ શકતો નથી. રસ્તો ખોદાતાંની સાથે જ ત્યાં ખાડા પડવાની શક્યતાઓ વધી જાય છે.’

અત્યારે ૫૦ ટકાથી ઓછા રસ્તાઓમાં અન્ડરગ્રાઉન્ડ ડક્ટ્સ છે
અન્ડરગ્રાઉન્ડ ડક્ટ્સ નાખવાથી વારંવાર ખોદકામ કરવાની જરૂરિયાતમાં ૭૦થી ૮૦ ટકાનો ઘટાડો થઈ શકે છે, પરંતુ તમામ પ્રકારની યુટિલિટીઝને એમાં સમાવી શકાતી નથી. BMCના આંકડા મુજબ, હાલના ૫૦ ટકાથી પણ ઓછા રસ્તાઓ પર યુટિલિટી ડક્ટ્સની સુવિધા છે. અગાઉ કૉન્ક્રીટના રોડ બનાવવામાં આવ્યા હતા એમાં પણ આ ડક્ટ્સ મૂકવામાં આવી નહોતી. BMC હવે આગામી સમયમાં તમામ રસ્તાઓ પર તબક્કાવાર ડક્ટ્સ ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવા માગે છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai potholes