ભિવંડીમાં BJP અને કૉન્ગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો બાખડ્યા

05 January, 2026 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને પાર્ટીની કૅમ્પેન-આૅફિસ સામસામે હોવાથી સમર્થકોનાં ટોળાં બેકાબૂ બન્યાં, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારો હિંસામાં બદલાઈ ગયા અને ખુરસીઓ ઊછળી

સામસામે લડી રહેલા BJP અને કૉન્ગ્રેસના કાર્યકરો.

શનિવારે સાંજે ભિવંડીમાં મ્યુનિસિપલ ઇલેક્શન માટેનો પ્રચાર હિંસક બની ગયો હતો. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસના કાર્યકરો નારપોલી ભંડારી ચોક પાસે સામસામે આવી જતાં બન્ને ગ્રુપ વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં થોડો સમય અરાજકતા ફેલાઈ જતાં અનેક લોકોને ઈજા થઈ હતી.

ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (BNCMC)માં વૉર્ડ ૨૦ અત્યંત સંવેદનશીલ વિસ્તાર મનાય છે. અહીં BJPના ઉમેદવાર યશવંત ટાવરે અને કૉન્ગ્રેસના ઉમેદવાર જિતેન્દ્ર પાલની ઑફિસ સામસામે આવેલી છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ કૉન્ગ્રેસની એક પ્રચારરૅલી આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પાર્ટીના કાર્યકરોએ BJPની ઑફિસ પાસે રોકાઈને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. થોડો સમય સામસામે સૂત્રોચ્ચારથી શરૂ થયેલો સંઘર્ષ હિંસક બની ગયો હતો. બન્ને પક્ષના સમર્થકો એકબીજા પર લાકડીઓ, પ્લાસ્ટિકની ખુરસીઓ અને પથ્થરો ફેંકવા લાગ્યા હતા. દોડાદોડી મચી જતાં અનેક દુકાનોએ શટર પાડી દીધાં હતાં.

પરિસ્થિતિ બેકાબૂ બની જતાં પોલીસે સ્પૉટ પર આવીને ભીડને વિખેરવાનું શરૂ કર્યું હતું અને અથડામણ રોકવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

આ ઘર્ષણ પછી બન્ને પક્ષો પોલીસ-સ્ટેશને દોડી ગયા હતા. નારપોલી પોલીસ-સ્ટેશનમાં BJPના ઉમેદવાર યશવંત ટાવરેએ કૉન્ગ્રેસના ઉમેદવાર જિતેન્દ્ર પાલ સહિત ૧૨ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ભીવાડા પોલીસ-સ્ટેશનમાં જિતેન્દ્ર પાલે BJPના ઉમેદવાર સહિત ૧૧ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સ્થાનિક અહેવાલો પ્રમાણે કૉન્ગ્રેસની રૅલી મંજૂરી લીધા વિના કાઢવામાં આવી હતી અને નારપોલીના ભંડારી ચોકમાં કૉન્ગ્રેસના ઉમેદવારની ઑફિસ પણ મંજૂરી વિના શરૂ કરી દેવામાં આવી હતી. એ માટે જિતેન્દ્ર પાલ વિરુદ્ધ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા માટે અલગ કેસ નોંધવામાં આવ્યો છે.

mumbai news mumbai bharatiya janata party congress political news maharashtra political crisis bhiwandi