23 June, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજિત બાંગરે BMCના એન્જિનિયરોને નિર્દેશ આપ્યો છે કે ખાડાઓની ફરિયાદ મળે તો એ ફરિયાદ મળ્યાના ૨૪ કલાકમાં ભરાઈ જવા જોઈએ અને એનું સમારકામ થઈ જવું જોઈએ. વળી ખાડાનું સમારકામ નિર્ધારિત ટેક્નિકલ સ્ટાન્ડર્ડ અને ક્વૉલિટીના સ્ટાન્ડર્ડ અનુસાર કડક રીતે કરવામાં આવે અને ક્ષતિગ્રસ્ત રસ્તાના પૅચને વિલંબ કર્યા વિના ફરી બનાવવામાં આવે.
અભિજિત બાંગરે વૉર્ડ સ્તરના જુનિયર એન્જિનિયરોને નાગરિકોની ફરિયાદોની રાહ જોવાને બદલે નિયમિત નિરીક્ષણ કરવાનો અને રસ્તાના નુકસાનને ઓળખી કાઢવાનો આદેશ આપ્યો છે. ૨૨૭ નિયુક્ત બીટ એન્જિનિયરોને દરેકને સમયસર ખાડા શોધવા અને સમારકામ સુનિશ્ચિત કરવા માટે ડેઇલી વિઝિટ સોંપવામાં આવી છે.
BMCના જણાવ્યા અનુસાર મુંબઈના કુલ ૨૦૦૦ કિલોમીટરના રસ્તાઓમાંથી લગભગ ૧૭૦૦ કિલોમીટરનું કૉન્ક્રીટિંગ થઈ ગયું છે. બાકીના રસ્તાઓ હાલમાં પ્રગતિ હેઠળ છે અને ચોમાસા પછી આ કામ પૂરું થવાનું છે.