12 February, 2026 05:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં મેયર રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘાડીએ પહેલા જ દિવસે વિપક્ષનો વિરોધ સહન કરવો પડ્યો હતો. શિવસેના-UBTના કૉર્પોરેટરોએ ડેપ્યુટી મેયર સંજય ઘાડીના ભાષણની નકલ ફાડી નાખી અને હૉલમાંથી વૉકઆઉટ કરી દીધું હતું. જ્યારે શિવસેના-UBTનાં કિશોરી પેડણેકરે આરોપ લગાવ્યો હતો કે એકનાથ શિંદેનાં કૉર્પોરેટરોની બૉડી-લૅન્ગ્વેજ સારી નહોતી.
નવા મેયરની ચૂંટણી બાદ BMCનું કામકાજ શરૂ થતાં જ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તણખા ઝર્યા હતા. ‘પચાસ ખોખે, એકદમ ઓકે’ જેવા નારા પણ સભાગૃહમાં સંભળાતાં ડેપ્યુટી મેયર સંજય ઘાડીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘ઠાકરેના કૉર્પોરેટરો ગૃહમાંથી વારંવાર વૉકઆઉટ કરશે, પણ આજે જ આવું થશે એવું મેં વિચાર્યું નહોતું. તેમણે લોકશાહીને અનુરૂપ વર્તન કરવું જોઈતું હતું. બાકી તો લોકોએ અમને બતાવ્યું છે કે કોને ખોખાં મળ્યાં અને કોને ઓકે.’
કૉન્ગ્રેસની મહિલા કૉર્પોરેટરોને શપથવિધિ સમારોહમાં જગ્યા ન મળતાં તેમણે જમીન પર બેસવું પડ્યું હતું. પ્રદૂષણના મુદ્દે માસ્ક પહેરીને આવ્યા હતા, પણ બેસવાની જગ્યા ન મળવાની ફરિયાદ કૉન્ગ્રેસના કૉર્પોરેટર અશરફ આઝમીએ કરી હતી. એના જવાબમાં ડેપ્યુટી મેયરે કહ્યું હતું કે કૉન્ગ્રેસની મહારાષ્ટ્રમાં કોઈ જગ્યા નથી એટલે તેમની સીટ પર ઠાકરેના કૉર્પોરેટરો બેસી ગયા હતા.
શિવસેના-UBT અને BJP પહેલા જ દિવસે આમને-સામને મહાયુતિના કૉર્પોરેટરો કમિટી હૉલમાં દાખલ થયા ત્યારે જોરદાર શંખનાદ થયો હતો. સાથે જ BJPના કૉર્પોરેટરોએ ‘જય શ્રી રામ’ અને ‘મોદી મોદી’ના નારા લગાવ્યા હતા. તો હૉલમાં હાજર શિવસેના-UBTના કૉર્પોરેટરોએ ‘ચોર હૈ, ચોર હૈ’ના નારા લગાવ્યા હતા.