મુંબઈનાં ઝાડ સ્વસ્થ છે કે જોખમી કે અતિજોખમી એ હવે જાણી શકાશે

19 July, 2026 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૃક્ષો પડવાને પગલે થતી જીવલેણ દુર્ઘટનાઓ રોકવા BMCનો સાયન્ટિફિક એક્શન પ્લાન

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ દરમ્યાન શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે BMC અૅક્શન મોડમાં આવ્યું છે. ભવિષ્યમાં આવી હોનારતો અને જાનહાનિ રોકવા માટે BMCએ વૃક્ષોના જોખમનું સ્તર નક્કી કરવા અને તેમનાં સ્વાસ્થ્ય, ઉંમર તેમ જ સ્થિતિનો એક ડેટાબેઝ તૈયાર કરવા માટે એક સાયન્ટિફિક અૅક્શન પ્લાન પર કામ શરૂ કર્યું છે.
BMCના હેડક્વૉર્ટરમાં વૃક્ષનિષ્ણાતો, વનસ્પતિશાસ્ત્રીઓ અને પર્યાવરણપ્રેમીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોની મદદથી મુંબઈના તમામ વૉર્ડ-સ્તરે વૃક્ષોનો વિગતવાર સર્વે કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સર્વે અંતર્ગત રસ્તાના કિનારે આવેલાં તમામ વૃક્ષોનું ત્રણ કૅટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવશે જેમાં અત્યંત જોખમી, જોખમી અને હેલ્ધી એવી રીતે વૃક્ષોને માર્ક કરવામાં આવશે.

રસ્તાના કિનારે નમી પડેલા ઝાડને પણ સપોર્ટ આપીને મજબૂત બનાવાશે
અકસ્માતો નિવારવા માટે BMC એક નવો પ્રયોગ પણ કરવા જઈ રહી છે. રસ્તા કિનારે આવેલાં જે વૃક્ષો એક તરફ જોખમી રીતે નમી ગયાં છે તેમને કાપી નાખવાને બદલે શું મેકૅનિકલ સપોર્ટ આપીને પડતા બચાવી શકાય અેમ છે કે નહીં અે વિશે પણ ટેક્નિકલ તપાસ કરવામાં આવશે તેમ જ રસ્તાની બાજુ પર ઓછી ઊંચાઈ ધરાવતાં દેશી ઝાડ વાવવામાં આવશે. 

હોનારત ટાળવા BMCએ જોખમી વૃક્ષો અને ડાળીઓ દૂર કરવાનું શરૂ કર્યું

૩૮૪૧ સ્થળોએ જોખમી ઝાડ સંબંધિત કામ પૂરાં થયાં, ૫૪૨ જગ્યાએ હજી પણ ટ્રિમિંગનું અને કાટમાળ હટાવવાનું કામ ચાલુ

મૉન્સૂનની આ સીઝનમાં બાવીસ જૂનથી ૧૭ જુલાઈ દરમ્યાન ભારે વરસાદ અને પવનને કારણે મુંબઈમાં ૯૦૨ વૃક્ષો ઊખડી ગયાં હતાં અને ૧૨૭૫ ડાળીઓ પડી ગઈ હતી એમ જણાવતાં BMCએ કહ્યું હતું કે ‘પડી ગયેલાં વૃક્ષો અને એની ડાળીઓ દૂર કરવાનું અને ટ્રિમિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. કુલ ૩૮૪૧ જોખમી ઝાડ સંબંધિત કામ થઈ ગયું છે, જ્યારે ૫૪૨થી વધુ સ્થળોએ કામ ચાલી રહ્યું છે.’

મૉન્સૂનની શરૂઆતથી જ આવી ઘટનાઓમાં ૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આવા બનાવો ન બને એ માટે BMCએ હાથ ધરેલા અભિયાન હેઠળ પબ્લિક પ્રૉપર્ટીનાં ૩૬૭ સ્થળોમાંથી ૩૫૯ સ્થળોએ વૃક્ષનો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ પ્રૉપર્ટીમાં આવેલાં ૫૨૪માંથી ૪૫૨ જોખમી વૃક્ષો દૂર કરવામાં આવ્યાં છે. એ જ રીતે પબ્લિક પ્રૉપર્ટી પર પડેલી ૫૫૨ ડાળીઓમાંથી ૫૪૧ ડાળીઓ સાફ કરવામાં આવી છે. પ્રાઇવેટ પ્રૉપર્ટી પર આવેલાં વૃક્ષોની ૭૨૩માંથી ૬૩૨ ડાળીઓ દૂર કરવામાં આવી છે, જ્યારે ૯૧ ​​સ્થળોએ સફાઈ ચાલુ છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation