ટ્રેશ બ્રૂમનો પ્રોજેક્ટ નિષ્ફળ જતાં બીએમસી મૂંઝવણમાં

28 May, 2023 12:09 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

નાળામાં વહીને આવતા હેવી પણ તરતા રહેતા કચરાને કારણે એની કાર્યવાહી ખોટાકાય છે

ફાઇલ તસવીર (સૌજન્ય : સતેજ શિંદે )

મુંબઈનાં અનેક નાળાં અને નદીઓમાં રોજનો ટનબંધ કચરો ઠલવાય છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો નાળામાં પૉલિથિનની પાતળી બૅગમાં કચરો ભરીને ફેંકતા હોય છે. આ ઉપરાંત પાણીની અને અન્ય પીણાંની બૉટલો વગેરે પણ કચરાના ડબ્બામાં ન નાખતાં નાળામાં નાખતા હોય છે. એને કારણે નાળાં અને નદીઓ અરબી સમુદ્રમાં મળે છે ત્યારે એ બધો જ કચરો તરતો-તરતો નાળામાંથી સમુદ્રમાં ઠલવાય છે. એ કચરો સમુદ્રમાં જાય ત્યારે એને ત્યાં જ રોકી દેવા અને સમુદ્રનું પાણી વધુ પ્રદૂષિત ન થાય એ માટે બીએમસી દ્વારા ટ્રેશ બ્રૂમનો ઉપયોગ ચાલુ કરાયો હતો. ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે દહિસર નદી, પોઇસર નદી, ઓશિવરા નદી, અંધેરીનું મોગરા નાળું, જુહુનું ગઝદરબાંધ ખાતેનું નાળુ, જુહુ મેઇન ઍવન્યુનું નાળું અને મીઠી નદી જ્યાં સમુદ્રમાં મળે છે ત્યાં આ ટ્રેશ બ્રૂમ બેસાડવામાં આવેલાં. ૨૦૧૮થી આ પ્રોજેક્ટ ચાલુ કરાયો હતો. જોકે એવું જણાઈ આવ્યું છે કે તરતા પણ હેવી કચરાને કારણે એ ટ્રેશ બ્રૂમ પણ કામ કરતું અટકી જાય છે અને એમાં ખામી આવી જતાં એને વારંવાર રિપેર કરવું પડે છે. એથી આ ટ્રેશ બ્રૂમનો પ્રોજેક્ટ હવે નિષ્ફળ ગયો છે. બીએમસીએ હવે એવો નિર્ણય લીધો છે કે આ ટ્રેશ બ્રૂમ વધુ વસાવવા નથી. એટલે આ ચોમાસામાં શક્ય છે કે ફરી એક વખત ભરતીના સમયે સમુદ્રમાંથી ફેંકાતો કચરો અને નાળામાંનો કચરો નાળાને ઓવરફ્લો કરી દે અને પૂરની પરિસ્થિતિ સર્જાય.

આ બાબતે બીએમસીના ઍડિશનલ કમિશનર પી. વેલારાસુનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે નવ જગ્યાએ એ ટ્રેશ બ્રૂમનો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પણ નાળામાંથી વહી આવતા હેવી કચરાના કારણે એ એમની કામગીરી બરોબર નહોતાં કરી શકતાં. એથી હવે અમે આ બાબતે હવે શું કરી શકાય એ વિચારીશું. જોકે એટલું નક્કી છે કે હવે ટ્રેશ બ્રૂમ નહીં વસાવાય. અમે એમાં કોઈ મૉડિફિકેશન થઈ શકે કે કેમ એના પર વિચારી રહ્યા છીએ.’ 

મીઠીમાં ફરી માછલાં દેખાયાં

મીઠી નદીના પાણીમાં અન્ય કેમિકલ વેસ્ટ પણ નાખવામાં આવતાં એ નદી નાળામાં ફેરવાઈ ગઈ હતી અને એમાંની જૈવિક સૃષ્ટિ નહીંવત્ થઈ ગઈ હતી. એથી બીએમસી દ્વારા એના પાણીને સંકલિત કરી, ટ્રીટ કરી, એમાંથી કચરો અને અશુદ્ધિઓ દૂર કરી ફરી મીઠી નદીમાં છોડવામાં આવતાં હવે બહુ થોડા પ્રમાણમાં પણ એમાં માછલાં દેખાતાં થયાં છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation bakulesh trivedi