મુંબઈમાં ૬ વર્ષ અટવાયા બાદ સ્માર્ટ પાર્કિંગનો માર્ગ મોકળો

03 April, 2026 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCએ ૩ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે કૉન્ટ્રૅક્ટરની નિમણૂકને આપી મંજૂરી

બીએમસી હૅડક્વૉર્ટર

મુંબઈગરાઓને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે BMCએ ૬ વર્ષથી તૈયાર થયેલા સ્માર્ટ પાર્કિંગ પ્લાનને આખરે મંજૂરી આપી દીધી છે. સ્થાયી સમિતિની બેઠકમાં સ્માર્ટ પાર્કિંગ ઇન્ટરફેસ વિકસાવવા માટે કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે BMCએ શરૂઆતમાં ૩ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

આ સ્માર્ટ સિસ્ટમ હેઠળ એક ખાસ મોબાઇલ ઍપ્લિકેશન અને વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવશે, જેના દ્વારા નાગરિકો આંગળીના ટેરવે પાર્કિંગની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી શકશે. આ પ્લૅટફૉર્મ પરથી વાહનચાલકો અગાઉથી પાર્કિંગ-સ્લૉટ પણ બુક કરી શકશે.

હાલમાં BMC મુંબઈમાં ૨૬ ઑફ-સ્ટ્રીટ પાર્કિંગ-સુવિધાઓ અને ૩૫૦થી વધારે ઑન-સ્ટ્રીટ પાર્કિંગનું સંચાલન કરે છે. આ તમામ સ્થળોને ડિજિટલ પ્લૅટફૉર્મ સાથે સાંકળવામાં આવતાં ડ્રાઇવરોના સમય અને ફ્યુઅલની બચત થશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે.

મોબાઇલમાં આવતી પિન્ક લાઇન હટાવવા ગયેલા ન્યાયાધીશે ૯૩,૦૦૦ રૂપિયા ગુમાવ્યા

મુંબઈની સ્મૉલ કૉઝ કોર્ટના એક જજ સાઇબર ઠગાઈનો ભોગ બન્યા છે. તેમના ઍન્ડ્રૉઇડ સ્માર્ટફોનની સ્ક્રીન પર પિન્ક લાઇન દેખાતાં તેમણે કસ્ટમર કૅરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન એક ઠગે કંપનીનો પ્રતિનિધિ બનીને તેમને વૉટ્સઍપ પર એક APK ફાઇલ મોકલી હતી. ન્યાયાધીશે આ ફાઇલ ડાઉનલોડ કરીને ફરિયાદ નોંધાવવા માટે ગૂગલ પે મારફત માત્ર ૧૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે થોડી જ વારમાં તેમના બૅન્ક-ખાતામાંથી ૯૩,૦૦૦ રૂપિયા ઊપડી ગયા હતા. તપાસમાં આ રકમ પપ્પુ સચિન યાદવ નામના બૅન્ક-આકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું જણાયું છે. સાઇબર પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai traffic