ડુપ્લિકેટ એન્ટ્રી ધરાવતા ૭૮,૦૦૦થી વધુ મતદારોએ મતદાનના દિવસે ફૉર્મ ભરીને આપવું પડશે

28 December, 2025 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકથી વધુ બૂથમાં નામ ધરાવતા ૪૮,૬૨૮ મતદારોએ ડેક્લેરેશન આપી દીધું, બાકી રહેલા વોટરો જે બૂથ પર મતદાન કરશે ત્યાં ફૉર્માલિટી પૂરી કરવી પડશે

ફાઇલ તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ડુપ્લિકેટ વોટર-લિસ્ટમાં ડુપ્લિકેટ એન્ટ્રીઓનું વેરિફેક્શન હાથ ધરવામાં આવ્યું એ પછી ૪૮,૬૨૮ મતદારોએ ઍનેક્શર A ફૉર્મ ભરીને તેમના વોટિંગ-બૂથનું ડેક્લેરેશન આપી દીધું છે, જ્યારે ૭૮,૧૦૫ ડુપ્લિકેટ એન્ટ્રીના કિસ્સામાં  વોટર તેમના ઍડ્રેસ પર મળ્યા નહોતા અથવા તેમણે પોતાનું વોટિંગ-બૂથ જાહેર ન કરવાનું જણાવ્યું હતું. તેમના માટે ઍનેક્શર B ફૉર્મનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે મતદાનના દિવસે તે લોકો જ્યાં વોટિંગ કરશે ત્યાં તેમની એન્ટ્રી બોલશે અને તેમણે ત્યારે જાતે ફૉર્મ ભરીને બૂથ જાહેર કરવું પડશે.

નોંધનીય વાત છે કે કુર્લાના L વૉર્ડમાં ૨૦.૯૭ ટકા, અંધેરી-વેસ્ટના K-વેસ્ટ વોર્ડમાં ૨૦.૫૬ ટકા અને મલાડના P-નૉર્થમાં ૧૯.૩૮ ટકા સાથે સૌથી વધુ ડુપ્લિકેટ વોટર્સ મળી આવ્યા હતા.

વોટિંગ-બૂથમાં વધારો

- ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં BMCએ મતદાનમથકોની સંખ્યામાં વધારો કર્યો છે. ઍસેમ્બલી ઇલેક્શનમાં ૧૦,૧૧૧ વોટિંગ-બૂથ હતા જે હવે ૧૦,૩૦૦ છે.

- ૭૦૦ જેટલા વોટિંગ-બૂથ હાઉસિંગ સોસાયટીઓની અંદર હશે.

વેરિફેકશન-ડ્રાઇવમાં BMCને શું મળ્યું હતું?

- ૧૦ લાખથી વધુ ડુપ્લિકેટ મતદાર હોવાની આશંકા સામે ૧,૬૮,૩૫૦ મતદારોનાં નામની એન્ટ્રી જ ડુપ્લિકેટ મળી આવી હતી.

- ૯,૩૩,૧૫૬ મતદારો ડુપ્લિકેટ નહીં પણ એકસરખાં નામો હોવાનું જાણવા મળ્યું હતું.

૪ દિવસમાં ૧૦+ હજાર ફૉર્મનું વિતરણ થયું, ઉમેદવારી માત્ર ૪૪‍ જણે ભરી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇલેક્શન માટે નૉમિનેશન ફૉર્મનું વિતરણ અને ફૉર્મ ભરીને ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈ કાલે ૧૨૯૪ ફૉર્મનું વિતરણ થયું હતું અને ૩૫ ઉમેદવારોએ નૉમિનેશન ફૉર્મ દાખલ કર્યાં હતાં. એ પહેલાં શુક્રવારે ૯ ઉમેદવારોએ નૉમિનેશન ફૉર્મ ભર્યાં હતાં. ૨૩ ડિસેમ્બરથી શરૂ થયેલી ફૉર્મના વિતરણની પ્રક્રિયા ૩૦ ડિસેમ્બર સુધી ચાલવાની છે અને ત્યાર સુધી દરરોજ સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા દરમિયાન નૉમિનેશન ફૉર્મ સ્વીકારવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ઉમેદવારી માટેનાં ૧૦,૩૪૩ ફૉર્મનું વિતરણ થયું છે અને ૪૪ નૉમિનેશન ફૉર્મ ભરવામાં આવ્યાં છે.

પુણેમાં હત્યાના આરોપી બંડુને ઉમેદવારી નોંધાવવા પોલીસ બુરખામાં લઈ આવી

હત્યાના આરોપી બંડુ આંદેકર ઉર્ફે સૂર્યકાંત આંદેકરે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇલેક્શન માટે પોલીસ-સિક્યૉરિટી વચ્ચે ઉમેદવારીપત્ર ભર્યું હતું. તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે. પુણેની યેરવડા જેલમાંથી પોલીસ તેને મોઢા પર અડધો બુરખો પહેરાવીને તથા દોરડાથી હાથ બાંધીને એક સરકારી ઑફિસમાં લઈ આવી હતી. બંડુ આંદેકરનાં ભાભી અને પુત્રવધૂએ પણ નૉમિનેશન ફૉર્મ ભર્યાં હતાં. આંદેકર ફૅમિલીએ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભવાની પેઠ વૉર્ડમાં ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યાં હતાં.

bmc election brihanmumbai municipal corporation mumbai mumbai news