03 January, 2026 02:36 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
અપક્ષ ઉમેદવાર કિસન ગાવંડેને ઘરમાં પૂરી તેમના ઘરની બહાર ધરણા પર બેસી નારાબાજી કરી રહેલા તેમના જ સમર્થકો
નાગપુરમાં ઉમેદવારી પાછી ખેંચવાના મુદ્દે અનોખો ડ્રામા જોવા મળ્યો હતો જેમાં અપક્ષ ઉમેદવાર કિસન ગાવંડેના સમર્થકોએ અને મતદારોએ તેમને ફૉર્મ પાછું ખેંચવા જતા હતા ત્યારે બળજબરીથી ઘરમાં પૂરી દીધા હતા અને બહારથી તાળું મારી દીધું હતું. તેમનું કહેવું હતું કે અમે તમને ફૉર્મ પાછું ખેંચવા નહીં દઈએ, તમે જ અમને નગરસેવક તરીકે જોઈએ છે.
નાગપુરના એક વૉર્ડમાંથી કિસન ગાવંડેને પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી ફૉર્મ આપવામાં આવ્યું હતું પણ એ ફૉર્મ રિજેક્ટ થતાં કિસન ગાવંડેએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જોકે પછી BJPએ તેમને અપક્ષ તરીકેનું ફૉર્મ પાછું ખેંચી લેવા જણાવ્યું હતું. એથી કિસન ગાવંડે ફૉર્મ પાછું ખેંચાવવા નીકળ્યા હતા. જોકે આ બાબતની જાણ તેમના સમર્થકો અને તેમના વૉર્ડના મતદારોને થતાં તેમણે અજબ યુક્તિ લગાડી હતી. તેમણે કિસન ગાવંડેને તેમના ઘરમાં જ પૂરી દીધા હતા અને બહારથી તાળું લગાડી દીધું હતું જેથી તેઓ ફૉર્મ પાછું ખેંચાવવા ન જઈ શકે. ત્યાર બાદ તેમના સમર્થકો તેમના ઘરની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને તેમના જ નામની નારાબાજી પણ કરી હતી.