15 January, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૭ની ચૂંટણીઓની જેમ આ વખતે મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે મતદાન પછી મતોની ગણતરી આખા શહેરમાં એકસાથે નથી થવાની. આ વખતે ૨૨૭ ઇલેક્ટોરલ વૉર્ડમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે.
૨૩ રિટર્નિંગ ઑફિસર્સને ૨૨૭ વૉર્ડમાં મતગણતરીની જવાબદારી સોંપેલી છે. એટલે કે દરેક ઑફિસર પાસે ૧૦ જેટલા વૉર્ડ હશે. જોકે એક સમયે એકસાથે માત્ર બે જ વૉર્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે એકસાથે એક સમયે આખા શહેરમાં વધુમાં વધુ ૪૬ વૉર્ડમાં મતગણતરી યોજાઈ રહી હશે. ઇલેક્શન ઑફિસર્સનું કહેવું છે કે આવા આયોજનને કારણે મતગણતરી ઝડપી બનશે, કારણ કે જેટલા અધિકારીઓ-કર્મચારીઓ હશે એ તમામ બે જ વૉર્ડ પર ફોકસ કરશે.
જોકે આ આયોજનને કારણે શુક્રવારે સવારે જ્યારથી કાઉન્ટિંગ શરૂ થશે ત્યારથી આખા શહેર માટે કોઈ એક ટ્રેન્ડ જોવા ન મળે અને અમુક વૉર્ડનાં રિઝલ્ટ્સ ઘણાં મોડાં આવે એવી શક્યતા છે.
જોકે મતદાનના એક દિવસ પહેલાં ઘણા ઉમેદવારોએ ફેઝ-વાઇઝ વોટ-કાઉન્ટિંગ વિશે શંકા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ રીતે કાઉન્ટિંગ કરવાથી રિઝલ્ટ્સની જાહેરાત કરવામાં મોડું થઈ શકે છે. આ ઉપરાંત શહેરમાં અર્લી ટ્રેન્ડ્સ નહીં જોવા મળે.