30 December, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્નેહલ જાધવ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીનું ઉમેદવારીપત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નાં જનરલ સેક્રેટરી સ્નેહલ જાધવે ગઈ કાલે પક્ષપ્રમુખ રાજ ઠાકરેને રાજીનામું આપી દીધું હતું. તેમણે વૉર્ડ-નંબર ૧૯૨ના ઉમેદવારનું નામ પાર્ટી દ્વારા જાહેર કરાયા બાદ આ નિર્ણય લીધો હતો.
તેમણે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે ‘હું પાર્ટીનાં જનરલ સેક્રેટરી પદ અને સભ્યપદ પરથી રાજીનામું આપું છું, કારણ કે વૉર્ડ-નંબર ૧૯૨ના ઉમેદવારની પસંદગી વખતે મને વિશ્વાસમાં લેવાઈ નહોતી અને મને એ પ્રક્રિયાથી પણ અલિપ્ત રાખવામાં આવી હતી. જ્યારે કે હું અને મારા પતિ બન્ને આ વૉર્ડ પરની બેઠક પરથી ૧૯૯૨થી ૨૦૧૭ દરમ્યાન સતત ૪ ટર્મથી જીતીને આવ્યાં છીએ.’
સ્નેહલ જાધવ ૧૯૯૨થી ૧૯૯૭, ૧૯૯૭થી ૨૦૦૨ અને ૨૦૦૨થી ૨૦૦૭ દરમ્યાન ચૂંટાઈ આવ્યાં છે, જ્યારે તેમના પતિ સુધીર જાધવ ૨૦૦૭ અને ૨૦૧૨માં જીતી આવ્યા હતા.
સ્નેહલ જાધવે રાજીનામાના પત્રમાં એમ પણ કહ્યું હતું કે તેમને પક્ષમાં જોઈતું માન અને ન્યાય આપવામાં આવ્યાં નહોતાં, જ્યારે કે તેઓ સતત સ્થાનિક લોકો સાથે જોડાયેલાં રહેલાં હતાં અને વિકાસનાં કામોને પ્રાધાન્ય આપ્યું હતું.