15 December, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પહેલી જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર સુધી મુંબઈમાં ‘સ્વચ્છતા મંથન’ કૉમ્પિટિશન-2026ની જાહેરાત કરી છે. આ સ્પર્ધા માટે સેલિબ્રિટીઝ, નાગરિકો અને હાઉસિંગ સોસાયટીઓને એરિયા અડૉપ્ટ કરવા માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે. તમામ કૅટેગરીઝનાં મળીને કુલ ૪.૨૦ કરોડ રૂપિયાનાં કૅશ પ્રાઇઝ આ સ્પર્ધાના વિજેતાઓને આપવામાં આવશે. આ આયોજનનો હેતુ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો છે.
ઍડ્મિનિસ્ટ્રેટિવ વૉર્ડ, રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, કમર્શિયલ કૉમ્પ્લેક્સ, હૉસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરાં, પબ્લિક ટૉઇલેટ્સ, રોડ-રસ્તા, બાગબગીચા અને ખુલ્લાં મેદાનો, માર્કેટ એરિયા સહિતની વિવિધ કૅટેગરીઝમાં આ કૉમ્પિટિશન યોજાશે.
સ્વચ્છ ઍડ્મિનિસ્ટ્રેટિવ વૉર્ડ કૅટેગરીમાં પહેલા ત્રણ વિનરને ૫૦ લાખ, ૨૫ લાખ અને ૧૫ લાખ રૂપિયાનાં ઇનામો આપવામાં આવશે; જ્યારે અન્ય કૅટેગરીઝમાં ૧૫ લાખ, ૧૦ લાખ અને પાંચ લાખ રૂપિયાનાં પ્રાઇઝ મળશે. આ સ્પર્ધામાં ભાગ લેવાની પ્રક્રિયા સહિતની બધી વિગતો BMC ટૂંક સમયમાં જાહેર કરશે. એક સ્વતંત્ર એજન્સી દ્વારા મૂલ્યાંકન થશે અને વિજેતા નક્કી કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૬માં ચીફ મિનિસ્ટર સહિતના મહાનુભાવોની હાજરીમાં અવૉર્ડ સમારોહ યોજાશે.