મુંબઈ: બીકેસી ડાયમન્ડ માર્કેટના નાના વેપારીઓમાં અજંપો

02 June, 2020 09:41 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: બીકેસી ડાયમન્ડ માર્કેટના નાના વેપારીઓમાં અજંપો

પ્રતીકાત્મક તસવીર

બીકેસીના ભારત ડાયમન્ડ બુર્સના નાના વેપારીઓ છેલ્લા ૭૫ દિવસથી કમાણી વગર લૉકડાઉનને કારણે બેઠા છે અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે ત્યારે મોટા વેપારીઓ ધંધો કરી રહ્યા છે એટલે નાના વેપારી ભાઈઓએ સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્યે માર્કેટ પર મોટી સંખ્યામાં પહોંચી જવું અને માર્કેટ ખોલી દેવી એવો એક મેસેજ ડાયન્ડ બજારના સર્કલમાં રવિવારે રાતે વાઇરલ થયો હતો. જોકે એ મેસેજને નાના વેપારીઓએ બહુ ગંભીરતાથી લીધો નહોતો અને કોઈ ધમાલ મચી નહોતી.

આ વિશે માહિતી આપતાં બીડીબી કમિટી મેમ્બર કિરીટ ભણસાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બહુ મહેનત પછી રાજ્ય સરકારને સમજાવવામાં સફળ રહ્યા હતા કે હાલ ૮૦૦૦ કરોડના હીરાનું એક્સપોર્ટ તૈયાર છે. અમને માત્ર એક્સપોર્ટ કરવાની પરવાનગી આપો. એથી રાજ્ય સરકારે અમને માત્ર અને માત્ર એક્સપોર્ટની જ પરવાનગી આપી હતી. જે વેપારીઓ કે ઑફિસો બીડીબીમાં ખૂલે છે એ એક્સપોર્ટ માટે જ ખૂલે છે. બીજું, ઘણા વેપારીઓએ એકથી પાંચ તારીખ દરમ્યાન તેમના કર્મચારીઓના પગાર કરવાના હોય છે. ચેક આપતા હોય છે. ઘણા ઑફિસના કમ્પ્યુટરમાંની ડીટેલને આધારે કર્મચારીઓના પગાર તેમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે એ વેપારીઓ બેચાર કલાક માટે આવે છે. બાકી કોઈ લોકલ વેપાર થતા નથી. મને પણ રવિવારે રાતે એ મેસેજ મળ્યો હતો. એથી હું આમ તો ઑફિસ આવતો નથી, પણ ધમાલ ન થાય એ માટે ખાસ આજે ઑફિસ આવ્યો હતો. કોઈ ધમાલ થઈ નહોતી કે લોકો આવ્યા નહોતા. હા, સાવચેતી માટે પોલીસને કહેવાયું હતું એથી પોલીસ આવી હતી, પણ જોયું કે કોઈ ધમાલ નથી એટલે પૅટ્રોલિંગ કરીને નીકળી ગઈ હતી. હાલ ૮ જૂનથી સરકારે ૧૦ ટકા કર્મચારીઓ સાથે ઑફિસો ખોલવાની પરવાનગી આપી છે, પણ અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે એ ટકાવારીમાં થોડો વધારો કરી આપો. આટલા ઓછા મણસોમાં કામ કરવું મુશ્કેલ છે.’

મેસેજના આધારે પોતાની કારમાં મોર્કેટ ગયેલા વેપારીએ કહ્યું હતું કે અમારી કારને કોઈએ રોકી નહોતી કે ખાસ કોઈ પૂછપરછ કરી નહોતી. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે માર્કેટના નાના વેપારીઓ મોટા ભાગે ટ્રેનમાં આવતા હોય છે જે હાલ બંધ છે એટલે તેમને અહીં આવવાની તકલીફ છે. હવે ૮ તારીખ પછી જ માર્કેટ ખૂલશે.

બીજી બાજુ ડાયમન્ડના અન્ય એક વેપારીએ કહ્યું હતું કે ‘મેસેજ આવ્યો હતો એ વાત સાચી, પણ માર્કેટ જઈને કરવું શું? કારણ કે હાલ સેફ બંધ છે. વળી અન્ય ઑફિસો પણ બંધ છે. તો ઑફિસ ખોલીને બેસવાનો કોઈ મતલબ નથી. વેપાર તો થવાનો નથી. એથી ૮ તારીખ પછી સેફ ખૂલશે ત્યારથી જ માર્કેટ જવાનું વેપારીઓ વિચારી રહ્યા છે.’

mumbai mumbai news coronavirus