BJPનું જાન્યુઆરીમાં છત્રપતિ સંભાજીનગરમાં મહાઅધિવેશન

13 December, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રામપંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારના મતદારોને સાધવાની કોશિશ : ૩૦,૦૦૦ પદાધિકારીઓ અને કાર્યકરોને આમંત્રિત કરવામાં આવશે

દેવેન્દ્ર ફડણવીસ

વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ હવે ગ્રામીણ વિસ્તારના મતદારોને સાધવા માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં BJP આવતા મહિનાના પહેલા કે બીજા અઠવાડિયે છત્રપતિ સંભાજીનગરમાં મહાઅધિવેશન આયોજિત કરવા જઈ રહી છે. આ મહાઅધિવેશનમાં BJPના ૩૦,૦૦૦ પદાધિકારીઓ અને કાર્યકરોને આમંત્રિત કરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીમાં મહાવિજય અને સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામપંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું રણશિંગું ફૂંકવા માટે BJP દ્વારા બે દિવસનું મહાઅધિવેશન યોજવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે BJPએ પ્રદેશ સ્તરે નાશિક, ભિવંડી અને પુણેમાં મોટાં અધિવેશન યોજ્યાં હતાં. લોકસભાની ચૂંટણીમાં થયેલા કારમા પરાજય બાદ આ અધિવેશન યોજવામાં આવ્યાં હતાં. આ અધિવેશનોમાં પરાજયનાં કારણો શોધવાની સાથે આત્મચિંતન કરીને વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે આક્રમક રણનીતિ ઘડવામાં આવી હતી. એને લીધે મહાયુતિને રાજ્યમાં મોટો વિજય મળ્યો હતો. આ વિજયને આગળ વધારવા માટે ગ્રામપંચાયતથી સંસદ, શતપ્રતિશત BJPનો ઉદ્દેશ્ય મેળવવા માટે મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે.

mumbai news mumbai bharatiya janata party devendra fadnavis Chhatrapati Sambhaji Nagar political news