27 December, 2025 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે સીટ-શૅરિંગ મુદ્દે ફૉર્મ્યુલા ફાઇનલ થવામાં હોવાની જાણકારી મળી હતી. અહેવાલો મુજબ ૨૧૦ બેઠકો પર બન્ને પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે, પણ ૧૭ બેઠકો પર હજી કોકડું ગૂંચવાયેલું છે. જોકે એને ઉકેલવા માટે પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શિવસેના તરફથી ઉદય સામંત, રાહુલ શેવાળે તથા મિલિંદ દેવરા અને BJP તરફથી આશિષ શેલાર, અમીત સાટમ અને પ્રવીણ દરેકર મીટિંગ કરી રહ્યા છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની મહત્ત્વપૂર્ણ મીટિંગમાં મોટા ભાગની બેઠકોની વહેંચણી ફાઇનલ કરી દેવામાં આવી હતી. એ પ્રમાણે BMCની ૨૨૭ બેઠકોમાંથી BJP ૧૪૦ બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતા છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને ૮૭ બેઠકો પર ચૂંટણી લડવા મળી શકે છે. મહાયુતિનો ભાગ હોવા છતાં આ ઇલેક્શનમાં અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.
ઉદ્ધવ-રાજની યુતિએ ખોલ્યાં શિંદેનાં નસીબ
અગાઉ બેઠક-વહેંચણીની પહેલી બેઠકમાં મુંબઈમાં શિંદે માટે માત્ર બાવન બેઠકો છોડવાની તૈયારી BJPએ દર્શાવી હતી. જોકે ઠાકરેબંધુઓની યુતિ પછી હવે શિવસેનાને વધુ બેઠકો ઑફર કરવામાં આવી હતી.
બાંદરા-ઈસ્ટમાં આવેલી કલેક્ટર ઑફિસ પાસે મશાલની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાની પાસે શિવસેના (UBT)ના સ્થાનિક વિધાનસભ્ય વરુણ સરદેસાઈ અને પદાધિકારીઓનાં નામ લખેલું બોર્ડ પણ લગાડવામાં આવ્યું છે. આચારસંહિતા અમલમાં હોવાથી ઇલેક્શન કમિશન દ્વારા જાહેર સ્થળો પરની એવી તકતીઓ અને બોર્ડ્સને ઢાંકી દેવામાં આવ્યાં છે જેમાં રાજકારણીઓનાં અને પાર્ટીનાં નામ લખ્યાં હોય. શિવસેના (UBT)નું પાર્ટી સિમ્બૉલ મશાલ છે, જેની કલેક્ટર ઑફિસ પાસેની પ્રતિમા તો ખુલ્લી હતી પણ સાથે રહેલાં નામ-વિગતો સાથેના બોર્ડને ઢાંકી દેવામાં આવ્યું હતું. તસવીરઃ નિમેશ દવે